News Portal...

Breaking News :

આજથી દશામાના દસ દિવસીય પવિત્ર વ્રતનો પ્રારંભ

2026-08-12 13:28:06
આજથી દશામાના દસ દિવસીય પવિત્ર વ્રતનો પ્રારંભ

વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં આજથી દશામાના દસ દિવસીય પવિત્ર વ્રતનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે. અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વથી શરૂ થતા આ વ્રતને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વડોદરાના બજારોમાં દશામાની મૂર્તિઓ ખરીદવા માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ ઘેર-ઘેર માટીની મૂર્તિ અથવા સાંઢણીની સ્થાપના કરી હતી. સ્થાપના બાદ માતાજી સમક્ષ અખંડ દીપ પ્રગટાવવામાં આવ્યો હતો, જે આગામી દસ દિવસ સુધી સતત પ્રજ્વલિત રહેશે. શ્રદ્ધાળુઓએ માતાજીનો શણગાર કરી પૂજા-અર્ચના કરી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

દશામાના વ્રતમાં સૂતરના 10 ગાંઠવાળા પવિત્ર દોરાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સ્થાપના વિધિ દરમિયાન મહિલાઓએ દોરાની પૂજા કરી તેને ગળામાં અથવા હાથ પર ધારણ કર્યો હતો. આ દોરો દસમા દિવસે વિસર્જન સમયે જળમાં પધરાવવામાં આવશે.

આજથી શરૂ થયેલું આ વ્રત આગામી 21 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન શ્રદ્ધાળુઓ દરરોજ સવાર-સાંજ માતાજીની આરતી, નૈવેદ્ય અને વ્રતની કથાનું શ્રવણ કરશે. દસ દિવસીય વ્રતને લઈને સમગ્ર રાજ્યમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

Reporter: admin

Related Post