આરોગ્ય, શિક્ષણ, આઇસીડીએસ અને વન વિભાગ સંબંધિત કચેરીઓએ સીએસઆર હેઠળ થઇ શકે એવા કામો સૂચવ્યા
કોર્પોરેટ સામાજિક જવાબદારી થકી પ્રજાને મહત્તમ સેવા અને સુવિધા આપવા કલેક્ટરનો અનુરોધ

વડોદરા જિલ્લામાં સામાજિક વિકાસ માટે જરૂરી ભૌતિક સુવિધામાં લોકભાગીદારી વધે એ માટે કલેક્ટર અનિલ ધામેલિયાએ કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સબિલીટી ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી અને વડોદરા જિલ્લામાં સીએસઆર હેઠળ કરી શકાય એવા કામો અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. ધારાસભા હોલ ખાતે કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં સીએસઆર સંકલન બેઠક મળી હતી. જેમાં આરોગ્ય, શિક્ષણ, આઇસીડીએસ અને વન વિભાગ ક્ષેત્રની કચેરી દ્વારા સૂચનો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં આરોગ્ય ક્ષેત્રના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જમનાબાઈ જનરલ હોસ્પિટલ, GMERS ગોત્રી અને એસ. એસ. જી. હોસ્પિટલ દ્વારા આરોગ્ય સુખાકારી અને અદ્યતન મેડિકલ સુવિધા માટે નવીનતમ સાધનો, એમ્બ્યુલન્સ, જાળવણી, અત્યાધુનિક ભૌતિક સુવિધાઓમાં જનસહયોગ આપી શકાય એવું જણાવવામાં આવ્યું હતું. જ્યારે સરકારી શાળાઓમાં ટોયલેટ બ્લોક, મધ્યાહન ભોજન શેડ, આર.ઓ. પ્લાન્ટ, સોલાર રૂફ ટોપ, સ્ટેમ લેબ , કિચન હર્બલ નેચર ગાર્ડન, લાયબ્રેરી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિતની વધુમાં વધુ સુવિધાઓ વિદ્યાર્થીઓને મળી શકે છે, એવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ જ રીતે વડોદરામાં જિલ્લામાં હાલની આંગણવાડીને જાળવણી સાથે સુવિધાયુક્ત મકાન બનાવવા તેમજ નવા આંગણવાડી કેન્દ્ર, ગેસ સ્ટવ, આર.ઓ. પ્લાન્ટ, કમ્પાઉન્ડ વોલ ઉપરાંત વન વિભાગ દ્વારા એનિમલ એમ્બ્યુલન્સ, વઢવાણા તળાવ સંબંધિત જરૂરિયાતો અને આર્કિયોલોજીકલ વિભાગ દ્વારા હેરિટેજ કન્વેન્શન સેન્ટર પણ બનાવી શકાય એવી વિગતો આ બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવી હતી. ઉક્ત વિભાગોની પ્રસ્તુતિ બાદ કલેક્ટર અનિલ ધામેલિયાએ વડોદરા જિલ્લામાં વિવિધ ખાનગી સંસ્થાઓની સામાજિક જવાબદારી પ્રત્યેની પ્રતિબદ્ધતાની સરાહના કરી હતી. કલેક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, સીએસઆર પહેલ અને પ્રવૃત્તિઓ અંતર્ગત ખાનગી કંપનીઓ નવીનતાસભર અને પારસ્પરિક કાર્યક્રમો થકી પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવામાં સરકારને સહકાર આપી રહી છે. તેમણે પોતાના અનુભવો વર્ણવતા પ્રેરણાદાયી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, જરૂરિયાતમંદ લોકો અને પ્રજાની મહત્તમ સેવા કરવી અને સુવિધાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત હોવું ખૂબ જરૂરી છે. તેમણે કંપનીઓને સીએસઆર નીતિ હેઠળ લાંબા અને ટૂંકા ગાળાના રોકાણની પ્રેરણા આપી લોકોના સરળ અને સુવિધાજનક જીવન માટેના સરકારના મિશન અને વિઝનમાં મદદ કરવા ખાનગી કંપનીઓને અપીલ કરી હતી.આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી, સંબંધિત ક્ષેત્રના અધિકારીઓ, વિવિધ ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ બિન સરકારી સંગઠનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.


Reporter: admin