News Portal...

Breaking News :

36 કલાક બાદ કાટમાળમાંથી 32 વર્ષની મહિલા જીવતી બહાર આવી, કોલંબિયામાં ચમત્કારિક રેસ્ક્યૂ

2026-08-12 11:00:37
36 કલાક બાદ કાટમાળમાંથી 32 વર્ષની મહિલા જીવતી બહાર આવી, કોલંબિયામાં ચમત્કારિક રેસ્ક્યૂ

કોલંબિયાના પશ્ચિમી શહેર પેરિરામાં વિનાશક ભૂકંપના 36 કલાક બાદ 32 વર્ષની મહિલા ડેનિએલા લાર્ગો સાંચેઝને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે. ભૂકંપ દરમિયાન એક આખી હોટલ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કાટમાળમાં ડેનિએલા ફસાઈ ગઈ હતી. સફળ રેસ્ક્યૂ બાદ તેમના પરિવારજનોમાં ખુશીની લહેર ફેલાઈ છે.

મંગળવારે બપોરે એક સ્થાનિક નાગરિકે કાટમાળ નીચેથી મહિલાનો અવાજ સાંભળ્યો અને તાત્કાલિક બચાવ ટીમને જાણ કરી હતી. ત્યારબાદ બોગોટા ફાયર વિભાગ, પેરિરા ફાયર વિભાગ અને ડિઝાસ્ટર ઓપરેશન યુનિટની ટીમોએ સંયુક્ત રીતે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.

ડેનિએલા સુધી પહોંચવા માટે બચાવકર્મીઓએ કોન્ક્રીટના ચાર સ્તરો કાપવા પડ્યા હતા. ઉપરનો કાટમાળ વધુ ધરાશાયી ન થાય તે માટે અત્યંત સાવચેતીપૂર્વક નીચેથી સુરંગ બનાવીને રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. ઓપરેશન દરમિયાન કાટમાળમાં ફસાયેલી ડેનિએલાને ઓક્સિજન માસ્ક અને સિલિન્ડર દ્વારા શ્વાસ લેવામાં મદદ કરવામાં આવી હતી.

36 કલાક બાદ જ્યારે ડેનિએલાને નીલા ધાબળામાં લપેટીને બહાર કાઢવામાં આવી ત્યારે બચાવકર્મીઓ અને પરિવારજનોની આંખોમાં ખુશીનાં આંસુ આવી ગયા હતા. ઘરે તેમનો 12 વર્ષનો પુત્ર તેમની રાહ જોઈ રહ્યો હતો.

240થી વધુ લોકોનાં મોત

કોલંબિયામાં આવેલા આ વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 240થી વધુ લોકોનાં મોત થયા છે. સરકારે રાષ્ટ્રીય આપત્તિની સ્થિતિ જાહેર કરી છે. પેરિરામાં 40થી વધુ લોકો હજુ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે અને અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે.

Reporter: admin

Related Post