અમદાવાદઃ ગુજરાતમાં રૂ. 6000 કરોડના બીઝેડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાની શુક્રવારે સાંજે ધરપકડ કરવામાં આવ્યા બાદ શનિવારે ન્યાયાધીશના નિવાસ સ્થાને રજૂ કરવામાં આવ્યો હતો. સીઆઈડી ક્રાઇમ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જોકે તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આરોપી વતી વકીલ હાજર ન રહેતા લીગસ સર્વિસ ઓથોરિટીમાં વકીલ આપવામાં આવ્યા હતા. જેને લઈ રિમાન્ડની કાર્યવાહીમાં વિલંબ થયો હતો.
ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ બાદ નિવેદન નોંધવા સહિતની પ્રક્રિયા રાતભર ચાલી હતી. તેની સતત ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર ઝાલાએ મોટાભાગની વાતોને પોલીસ સમક્ષ રાખવાથી ઇન્કાર કર્યો હતો. શિક્ષકોને વિદેશ પ્રવાસ પર નહીં મોકલ્યા હોવાનું રટણ કર્યું હતું.
ભૂપેન્દ્ર ઝાલાને તેની ઑફિસ પર રેડનો ખ્યાલ આવતા તે મધ્યપ્રદેશથી રાજસ્થાન નાસી ગયો હતો. એક મહિના દરમિયાન મોટાભાગે રાજસ્થાનમાં રોકાયો હતો. ભૂપેન્દ્ર ઝાલા મધ્યપ્રદેશ દર્શન કરવા ગયો હતો તેવી વિગતો આ પુછપરછમાં સામે આવી હતી. એક મહિનામાં ઝાલા એક વખત ગુજરાત આવ્યો હતો. રાજસ્થાનથી અલગ અલગ ત્રણ સિમકાર્ડ ખરીદ્યા હતા. તેમજ વોટ્સએપના માધ્યમથી તે પરિવાર અને અન્ય લોકોના સંપર્કમાં હતો.
Reporter: admin