વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં બિસ્માર રસ્તાઓ અને માર્ગ સુરક્ષાના અભાવને કારણે અકસ્માતોની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. શહેરના ભાયલી વિસ્તારમાં વધુ એક અકસ્માત સર્જાતા તંત્રની કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, ભાયલી વિસ્તારમાં બ્રાઇટ ડે સ્કૂલ પાછળ આવેલા કિશન ક્લાસિક પાસે વરસાદી પાણીથી ભરાયેલા ઊંડા ખાડામાં ટુ-વ્હીલર સ્લીપ થતાં એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. રોડ પર પાણી ભરાયેલું હોવાથી ખાડો નજરે ન પડતા યુવકનું વાહન અચાનક સ્લીપ થયું હતું. અકસ્માતમાં યુવક રોડ પર પટકાઈ જતાં સ્થળ પર જ બેભાન થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક નાગરિકો તરત જ મદદે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ અકસ્માત બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે વારંવાર રજૂઆતો છતાં રસ્તાના ખાડાઓનું સમારકામ કરવામાં આવતું નથી. તેમણે તંત્ર સામે પ્રશ્ન ઉઠાવ્યો કે, "શું કોઈનો જીવ જાય પછી જ તંત્ર જાગશે?"
સ્થાનિકોએ વરસાદી મોસમ દરમિયાન માર્ગોની તાત્કાલિક મરામત કરી વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે.
Reporter: admin







