ભાયલી કેનાલ રોડ પર પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણી રસ્તા પર નદીની જેમ વહી ગયું હતું. પાણીના જોરદાર પ્રવાહને કારણે આસપાસના રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિક રહીશોએ પાણીની લાઇન તૂટવાની જાણ તંત્રને કરી હોવા છતાં સમયસર સમારકામ શરૂ ન થતાં લાંબા સમય સુધી પાણીનો વેડફાટ ચાલુ રહ્યો હતો. ઘટનાના કારણે સ્થાનિકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.

વડોદરા શહેરમાં પાણીની લાઇનમાં ભંગાણ અને લીકેજની ઘટનાઓ વારંવાર સામે આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પાઇપલાઇનની યોગ્ય જાળવણીના અભાવે અવારનવાર પીવાનું શુદ્ધ પાણી રસ્તા અને ગટરમાં વહી જતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
એક તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની તેમજ પૂરતું પાણી ન મળતું હોવાની ફરિયાદો સામે આવે છે, ત્યારે બીજી તરફ ભાયલી કેનાલ રોડ પર હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થતાં લોકોમાં નારાજગી જોવા મળી હતી.

સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે વારંવાર પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયા બાદ માત્ર તાત્કાલિક સમારકામ કરવામાં આવે છે. જેના કારણે થોડા સમય બાદ ફરી લીકેજ અથવા લાઇન તૂટવાની સમસ્યા ઉભી થાય છે. સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકા પાસે પાણીની લાઇનોની નિયમિત તપાસ અને યોગ્ય જાળવણી કરવાની માંગ કરી છે.
લોકોએ પીવાના પાણીનો વેડફાટ અટકાવવા માટે મજબૂત અને કાયમી ઉકેલ લાવવા તેમજ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
Reporter: admin







