ઢાકા : બાંગ્લાદેશમાં ગઈકાલે લોહિયાળ હિંસા શરૂ થયા બાદ આજે પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ગઈકાલે પોલીસ અને સત્તાધારી પક્ષનાં કાર્યકરો સાથે વિદ્યાર્થી દેખાવકારો વચ્ચે અથડાણ માત્ર રસ્તા પર જ થયું હતું.
હવે સ્થિતિ છેક વડાંપ્રધાન શેખ હસીના ગૃહમંત્રીના સરકારી નિવાસસ્થાનો અને પાર્લામેન્ટ સુધી પહોંચી ગયા છે અને આ બંને નિવાસસ્થાનોમાં દેખાવકારોએ ભારે તોડફોડ મચાવી છે. શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ હજારો દેખાવકારો તેમના સરકારી નિવાસસ્થાનમાં ઘૂસી ગયા છે. એટલું જ નહીં ગૃહમંત્રીના નિવાસસ્થાને પણ ભારે તોડફોડ મચાવી છે. આ ઉપરાંત ઢાકામાં વડાંપ્રધાનની પાર્ટી અવામી લીગની ઓફિસમાં પણ આગ લગાવી દેવાઈ છે.
વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને જતા હોવાના અહેવાલો મળ્યા બાદ દેખાવકારો બેકાબૂ બન્યા છે અને હવે તેઓ હજારોની સંખ્યામાં વડાંપ્રધાનના મહેલમાં પહોંચી તોડફોડ મચાવી રહ્યા છે. આમાંથી ઘણા લોકો શેખ હસીનાના બેડરૂમમાં પહોંચી ગયા છે. અહીં કેટલાક લોકો મેકઅપનો સામાન લૂંટી ગયા છે, તો કેટલાક ખુરશી અને ડબ્બાઓ ઉઠાવી ગયા છે. એટલું જ નહીં દેખાવકારો તેમના બેડ પર બેસી સેલ્ફી ખેંચતા પણ જોવા મળી રહ્યા છે. કેટલાક તેમની તિજોરી તોડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ આજે બપોરે 2.30 કલાકે દેશ છોડી દીધું છે અને તેઓ સેનાના હેલિકોપ્ટરમાં ભારત પહોંચી ગયા છે.
દેખાવકારોએ વડાપ્રધાનના નિવાસસ્થાને હલ્લાબોલ મચાવ્યા બાદ ગૃહમંત્રી અસદુજ્જમાં ખાનના નિવાસસ્થાને પણ ભારે તોડફોડ મચાવી હતી. અહીં ખુરશીઓ ઉઠાવી ફેંકી દેવાઈ હતું. એટલું જ નહીં આગ ચાંપાનો પણ પ્રયાસ કરાયો હતો. દેખાવકારોએ કહ્યું કે, હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ પ્રવેશ દ્વાર તોડી મંત્રીના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. થોડીવાર બાદ તેમાંથી ધુમાળો નિકળતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત દેખાવકારોએ મંત્રીઓ, નેતાઓ અને ઢાકામાં અવામી લીગની ઓફિસમાં પણ હલ્લાબોલ કર્યું હતું. હાલ દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિને જોઈ મોટાભાગના નેતાઓ પોતાનો જીવ બચાવવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
Reporter: admin