News Portal...

Breaking News :

બેંકોકના બારમાં ભીષણ આગ: 27નાં મોત, 63થી વધુ ઘાયલ

2026-07-13 16:56:17
બેંકોકના બારમાં ભીષણ આગ: 27નાં મોત, 63થી વધુ ઘાયલ

થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં રવિવારે મોડી રાત્રે એક બારમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 27 લોકોના મોત થયા છે, જ્યારે 63થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ વીજળીની સિસ્ટમમાં સર્જાયેલી ખામી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

થાઇ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફાયર બ્રિગેડને મધરાતે આગની જાણ થતાં તાત્કાલિક ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આશરે 30 મિનિટની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, પરંતુ ત્યાં સુધી બારની ઇમારતનો મોટો ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો.


ઘટનાસ્થળે હાજર એક સંગીતકારે જણાવ્યું કે વીજળી જતી પહેલાં સ્ટેજ નજીક આવેલા સર્કિટ બ્રેકરમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. થોડા જ સમયમાં જોરદાર વિસ્ફોટ થયો અને સમગ્ર બારમાં ધુમાડો ફેલાઈ ગયો, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અનેક લોકો જીવ બચાવવા માટે ઇમારતના પાછળના ભાગમાં આવેલા ટોયલેટમાં છુપાઈ ગયા હતા, પરંતુ ધુમાડાથી ગૂંગળાઈ જવાના કારણે તેમનાં મોત થયા હતા.


થાઇલેન્ડના વડાપ્રધાને ઘટનાસ્થળની મુલાકાત લઈને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. અધિકારીઓએ તમામ મૃતદેહોને બહાર કાઢી લીધા હોવાનું જણાવ્યું છે, જ્યારે આગના ચોક્કસ કારણની તપાસ ચાલુ છે.

Reporter: admin

Related Post