આસામમાં સતત વરસી રહેલા વરસાદ અને પૂરની ગંભીર સ્થિતિ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યના સાંસદો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. બેઠક દરમિયાન તેમણે પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરી હતી અને કેન્દ્ર સરકાર આસામ સરકાર સાથે મળીને અસરગ્રસ્ત લોકોને દરેક શક્ય મદદ પહોંચાડી રહી હોવાનું જણાવ્યું હતું.
વડાપ્રધાને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે આસામના વિવિધ વિસ્તારોમાં પૂરથી પ્રભાવિત લોકોની સુરક્ષા અને સુખાકારી માટે તેઓ પ્રાર્થના કરે છે. કેન્દ્ર સરકાર રાહત અને બચાવ કામગીરીમાં સતત સહયોગ આપી રહી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
આ દરમિયાન આસામમાં રાઈજોર દળને બાદ કરતાં તમામ ધારાસભ્યોએ પૂરગ્રસ્તોના રાહત અને પુનર્વસન માટે પોતાના એક મહિનાનો પગાર દાન કરવાની જાહેરાત કરી છે. વિધાનસભાના અધ્યક્ષ રણજીત કુમાર દાસ અને ઉપાધ્યક્ષ હબ્બે ટેરોને પણ પોતાનો એક મહિનાનો પગાર દાન આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત વિધાનસભા સચિવાલયના કર્મચારીઓ પણ એક દિવસનો પગાર રાહતનિધિમાં આપશે.
બીજી તરફ ભારતીય વાયુસેના દ્વારા આસામ અને નાગાલેન્ડના પૂરગ્રસ્ત વિસ્તારોમાં માનવીય સહાય અને બચાવ કામગીરી સતત ચાલુ રાખવામાં આવી છે. છેલ્લા 10 દિવસ દરમિયાન વાયુસેનાના હેલિકોપ્ટરોએ 458 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા છે અને હવાઈ માર્ગે 9 ટનથી વધુ આવશ્યક રાહત સામગ્રીનું વિતરણ કર્યું છે.
રાજ્યમાં હાલ પણ 631 ગામો પૂરનાં પાણીમાં ગરકાવ છે. રાહત કામગીરી માટે 184 રાહત શિબિરો અને વિતરણ કેન્દ્રો કાર્યરત છે, જ્યાં અંદાજે 28,700 લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. સરકાર અને વિવિધ એજન્સીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનર્વસનની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
Reporter: admin







