News Portal...

Breaking News :

મૃતકના પરિવારને શાંત કરવા કલમ 306નો ઉપયોગ ના કરી શકાય : સુપ્રીમ

2025-01-18 10:01:24
મૃતકના પરિવારને શાંત કરવા કલમ 306નો ઉપયોગ ના કરી શકાય : સુપ્રીમ


નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે આત્મહત્યા માટે ઉશ્કેરવાના મામલાઓને લઇને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે  મૃતકનો પરિવાર ભાવનાત્મક રીતે ટુટી ગયો છે માત્ર એવા કારણોસર આઇપીસીની કલમ ૩૦૬ને ફરિયાદમાં દાખલ ના કરી શકાય. 


આત્મહત્યા માટે ઉશ્કેરવાના અપરાધને રોકતી આ કલમનો ઉપયોગ કરતી વખતે પોલીસે વધુ સતર્ક રહેવાની જરૂર છે. આત્મહત્યા માટે ઉશ્કેરવાના મધ્યપ્રદેશના એક મામલામાં આરોપી સામેની ફરિયાદ રદ કરતા આદેશ વખતે સુપ્રીમ કોર્ટે આ ટકોર કરી હતી. સુપ્રીમે કહ્યું હતું કે જો પોલીસ સતર્ક રહીને કામ કરશે તો કોઇ નિર્દોષ વ્યક્તિ સામે કેસ ચલાવવો પડે તેવી સ્થિતિ પેદા નહીં થાય. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અભય એસ. ઓકા અને ન્યાયાધીશ કે. વી. વિશ્વનાથનની બેંચે કહ્યું હતું કે તપાસ એજન્સીઓએ કોઇ નિર્દોષ વ્યક્તિ પરેશાન ના થાય તેની તકેદારી રાખવી જોઇએ. 


સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મૃતકના પરિવારની ભાવનાઓને શાંત કરવા માટે આઇપીસીની કલમ ૩૦૬ જેને હવે બીએનએસની કલમ ૧૦૮ તરીકે ઓળખવામાં આવે છે તેને લાગુ ના કરી શકાય. આ કલમ લાગુ કરતા પહેલા યોગ્ય અને પુરતી તપાસ થવી જોઇએ. આત્મહત્યા માટે ઉશ્કેરવા માટેના મામલાઓને સાબિત કરવા માટે કડક માપદંડ છે. જેમાં અનેક પ્રકારના પુરાવાઓની જરૂર પડતી હોય છે. સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીઓને આ કલમ લાગુ કરતા પહેલા પુરતી તપાસ કરવાના આદેશ પણ આપ્યા હતા. આઇપીસીની કલમ ૩૦૬ (હવે બીએનએસ ૧૦૮) કોઇને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ લાગુ કરાય છે. આ અપરાધ બદલ ૧૦ વર્ષ સુધીની કેદની જોગવાઇ છે. તાજેતરમાં બેંગલુરુના એઆઇ એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના મામલામાં પત્ની પર ઉશ્કેરવાનો આરોપ લગાવાયો હતો.

Reporter: admin

Related Post