શહેરના તરસાલી બાયપાસ વિસ્તારમાં રહેતાં બે ઈલેકટ્રિકલ એન્જિનીયર્સે પોતાના અભ્યાસના પ્રોજેક્ટના ભાગરુપે ખૂબ જ રસપ્રદ ઈનોવેશન કર્યું છે. તેમણે ભારત કિશાન કવચ અંતર્ગત ખેડૂતો માટે ઈલેકટ્રિક શૂઝ બનાવ્યાં છે. તે સાથે જ ભારત રાઈડર્સ અંતર્ગત પીઝો ઈલેકટ્રિક ડિસ્ક કોન્સેપ્ટથી પાવરબેન્કવાળા શૂઝ બનાવ્યા છે.
જે વિશે વિદ્યાર્થી રાજ કુકડીયાએ જણાવ્યું હતું કે, મેં મારા ક્લાસમેટ રાહુલ મકવાણા સાથે મળીને 6 મહિનાની મહેનત બાદ આ ઈનોવેશન કર્યું છે. અમે જીસી ભરુચ કોલેજમાં ઈલેકટ્રિકલ એન્જિનીયર વિભાગમાં સેમેસ્ટર-4માં અભ્યાસ કરી રહ્યાં છે. અમે સોલ ચાર્જ ભારત પ્રોજેક્ટ અંતર્ગત બે પ્રોડક્ટ્સ બનાવ્યાં છે. જે અમે અમારી કોલેજના સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી સેલની મદદથી બનાવ્યાં છે. જેમાં અમને અમારી કોલેજના પ્રધ્યાપક વિશાલ દોશી, વિજય ભુવા અને નિમેષ પટેલ સરે માર્ગદર્શન આપ્યું છે.
ભારત કિશાન કવચ અંતર્ગત અમે ખેડૂતોને ધ્યાનમાં રાખીને ઈલેકટ્રિક શૂઝ બનાવ્યાં છે. આપણો દેશ ખેતી પ્રધાન છે. જેમાં મોટાંભાગના ખેડૂતો ખેતીના વ્યવસાય પર નભે છે. જેમાં તેઓ અન્ન પકવવા દિવસ-રાત મહેનત કરતાં હોય છે. ખેતમાં કામ કરતી વખતે ઝેરી સરીસૃપો કરડી જવાને કારણે દર વર્ષે અનેક ખેડૂતો મૃત્યુ પામે છે. ત્યારે અમે આ શૂઝ એવી રીતે ડિઝાઈન કર્યાં છે, જેને પહેરીને તેઓ રાતે પણ ખેતરોમાં જઈ શકે છે. જેમાં અમે ટોર્ચ લાઈટ સાથે સેન્સર લગાવ્યું છે. જે 1 થી 2 મીટરની રેન્જમાં આવનાર સરીસૃપને સરળતાથી ડિટેક્ટ કરી શકશે અને જો કદાચ સરીસૃપ ખેડૂતને કરડવા નજદીક આવશે તો તેને કરંટ લાગશે, જેથી તે દુર ભાગી જશે. પરંતુ તે મરશે નહી. આ શૂઝને ચાર્જ થતાં પણ અડધાથી પોણા કલાકનો સમય લાગે છે.
ગામડાંઓમાં વીજકાપની ખૂબ મોટી સમસ્યા છે. ત્યારે ઈમરજન્સીમાં શૂઝ ચાર્જ કરવા અમે પાવર બેન્ક પણ આપી છે. જેમાં 1000 mhની બેટરી લગાવી છે. જે સરળતાથી 15 થી 20% ચાર્જ કરશે. આ બંને પ્રોડક્ટસ્ બનાવવા માટે અમને અમારી કોલેજના SSIP સેલમાંથી 20 હજારની ગ્રાન્ડ મળી છે.
વળી, આ બંને પ્રોડકટ્સ જો માર્કેટમાં લોન્ચ કરાય તો તેની માર્કેટ વેલ્યુ બેથી અઢી હજાર સુધીની છે. જે ખેડૂતો અને સામાન્ય લોકોને પરવડે તેવી જ છે. ભવિષ્યમાં અમારે ગ્રીન એનર્જી પર કામ કરીને ઈનોવેટિવ પ્રોડકટ્સ બનાવવા છે.
ટ્રાવેલિંગ માટે પીઝો ઈલેકટ્રિક ડિસ્ક કોન્સેપ્ટથી પાવરબેન્કવાળા શૂઝ બનાવ્યા...
બીજું પ્રોડક્ટ અમે સીટીના લોકોના ઉપયોગના પર્પઝથી બનાવ્યું છે. જેને ભારત રાઈડર્સ નામ આપ્યું છે. જેમાં અમે પીઝો ઈલેકટ્રિક ડિસ્ક લગાવી છે. જેના પર પ્રેશર જનરેટ થવાથી તે વાઈબ્રેટ થાય છે અને વાઈબ્રેટ થવાથી તે ઉર્જા ઉત્પન્ન કરે છે. આ ઉર્જા એક બેટરીમાં સંગ્રહિત થઈ જાય છે. જેનો ઉપયોગ સ્માર્ટ વૉચ, ફોન કે અન્ય ઉપકરણ ચાર્જ કરવા માટે પાવરબેન્ક તરીકે થઈ શકે છે, તેવું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. આ પાવરબેન્કમાં 600 mhની લગાવાઈ છે. જે ઈમરજન્સીમાં 15 થી 20% ચાર્જ કરશે.
Reporter: News Plus