ડેસર તાલુકાના દોલતપુરાના ૩૬ વર્ષીય પ્રગતિશીલ ખેડૂત ઉમંગ પટેલ તેમના ભાઈ દિપેન પટેલ સાથે ગાય આધારિત કુદરતી ખેતી પદ્ધતિથી ચંદનની ખેતી કરે છે. તેમણે પોતાની ૧૨ વિઘા ખેતીની જમીનમાં સફેદ અને લાલ ચંદનનાં વૃક્ષો ઉગાડ્યા છે.
વર્ષ-૨૦૨૦ સુધી અંદાજે રૂ. ૧૦ લાખનું રોકાણ કર્યું છે. એકવાર આ તમામ ચંદનના વૃક્ષો સંપૂર્ણ પરિપક્વ થઈ જાય પછી તેનું વેચાણ કરી કરોડો રૂપિયાની કમાણી કરશે. પ્રાકૃતિક ખેતી વૃક્ષોને સુંદર રંગ અને સુગંધ આપે છે અને તેની સંપૂર્ણ ક્ષમતામાં વૃદ્ધિને સરળ બનાવે છે. ઉમંગભાઈએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કરીને ચાર વર્ષ સુધી બાંધકામ ક્ષેત્રે પણ કામ કર્યું છે. પરંતુ, પ્રાકૃતિક ખેતીના ફાયદાથી પ્રભાવિત થઈને તેઓ દેશી ગાય આધારિત કુદરતી ખેતી તરફ વળ્યા. પહેલા તો તેમણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી. આ થકી તેમને વધુ આવક થતા તેમણે ખેતરમાં ચંદનની ખેતી કરવાનું નક્કી કર્યું.તેમના વૃક્ષ પ્રેમી પિતા ચંદુભાઈ પટેલ હાલમાં આ ૧૨ વિઘા જમીનમાં આમળા અને સફરજનની ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. તેમના મોટા પુત્ર દિપેન પટેલ, જેઓ સિવિલ એન્જિનિયરિંગમાં માસ્ટર ગ્રેજ્યુએશન કર્યું છે અને વ્યવસાયે આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેમણે આમળા અને સફરજનના ઝાડ વચ્ચે ચંદનના વૃક્ષોની ખેતીનો નવતર પ્રયોગ શરૂ કર્યો.
દર રવિવારે, તેઓ તેમણે વાવેલા ચંદનના રોપાની સંભાળ રાખે છે અને ડેટા એકત્રિત કરે છે. નોંધવાપાત્ર વાત એ છે કે, ઉમંગ પટેલ પોતાની સાથે અન્ય યુવા ખેડૂતોનો પણ વિકાસ થાય તે માટે નિ:શુલ્ક તાલીમ પણ આપે છે.ઉમંગભાઈ કહે છે કે અમે વર્ષ-૨૦૧૫ માં ખેતી શરૂ કરી દોલતપુરા ગામમાં અમારી ૧૨ વિઘા જમીનમાં ચંદનનાં વૃક્ષો ઉગાડવાની યોજના બનાવી.ત્યારબાદ તેમણે લગભગ ૧૪૦૦ રોપાઓ વાવ્યા છે અને તે બધા હવે ધીમે ધીમે સંપૂર્ણ વિકસિત વૃક્ષોમાં પરિપક્વ થઈ રહ્યા છે. ચંદનની સફેદ અને લાલ જાતો તેમણે ઉગાડી છે અને વર્ષ-૨૦૨૮ પછી તેનું વેચાણ કરશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ચંદનના વૃક્ષોને વિકસિત થતા જોઈને હું ખૂબ ખુશ થાવ છું, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને તેમણે આ માટેનું સફળ કારણ ગણાવ્યું છે.આપને જણાવી દઈએ કે, દિપેન પટેલ ચંદન વિકાસ એસોસિએશન, વડોદરાના સેક્રેટરી છે અને તેમના પિતા ચંદુભાઈ પટેલ જીઓ સ્પૂન ફાર્મસ પ્રોડ્યુસર કંપની લિમિટેડના નિયામક છે. તેમણે ચંદન બાયબેક કરાર સાથે ચાલુ વર્ષે ‘કિસાન પેન્શન યોજના’ પણ શરૂ કરી છે. આ પેન્શન યોજનામાં ખેડૂતો ૧૩ વર્ષ માટે પ્રતિ વર્ષ રૂ. ૨૦૦૦ નું યોગદાન આપે છે અને ૧૫ વર્ષ પછી પ્રતિ વર્ષ રૂ. પાંચ લાખનું વળતર મેળવે છે.
Reporter: admin