જયપુર : રાજસ્થાનના જયપુરમાં મહેશ નગર વિસ્તારમાં આવેલી કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા 10 વિદ્યાર્થીઓ રવિવારે સાંજે અચાનક બેહોશ થઈ ગયા હતા.
આ તમામને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તમામ વિદ્યાર્થીઓની હાલત સારી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંભવત સંસ્થાની ઉપરની છત પરના રસોડામાં ગટરના ગેસ અથવા ધુમાડાને કારણે આવું થયું હતું.જ્યારે ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ગટરમાંથી આવતી દુર્ગંધ અને બિલ્ડીંગની છત પરના રસોડામાંથી આવતા ધુમાડાને કારણે ધુમાડો નીચે ઉતર્યો હતો.જેના કારણે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં ભણતા વિદ્યાર્થીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને બેભાન થઈ ગયા.તેમણે કહ્યું કે બેહોશ થયેલાઓમાં 8 છોકરીઓ, બે છોકરાઓ અને એક રસોઈયાનો સમાવેશ થાય છે.
અધિકારીઓએ ‘ફૂડ પોઈઝનિંગ’ની શક્યતાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓની સ્થિતિ હવે સામાન્ય છે. આ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે શ્વાસ લેવામાં તકલીફને કારણે અહીં સાત વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા હતા, જોકે બે વિદ્યાર્થીઓને અન્યત્ર લઈ જવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓનેને શ્વાસ લેવામાં તકલીફ હતી અને સતત ઉધરસ આવી રહી હતી પરંતુ તેમને બીજી કોઈ સમસ્યા નહોતી. હાલ પોલીસ ગેસ લીક થવાના કારણને લગતી માહિતી મેળવવામાં વ્યસ્ત છે.અહી ઘટના બાદ હોસ્પિટલની બહાર યુવાનોની મોટી ભીડ ઉમટી પડી હતી. રાજસ્થાન યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના ભૂતપૂર્વ પ્રમુખ નિર્મલ ચૌધરી તેમના સમર્થકો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઘટનાનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન પોલીસ અને યુવકો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી.
Reporter: admin