શહેરના બીલગામ સ્થિત રહેતા પતિ- પત્ની વચ્ચે લાંબા સમયથી બોલાચાલી અને ઝઘડા થતા હતા. જેથી તેમણે છુટ્ટાછેડા લેવાનો નિર્ણય કર્યો અને રૂપિયા ન આપવા પડે તે માટે પત્નીનુ ગળુ દબાવી હત્યા કરી પતિ ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસે હત્યારા પતિની લખનઉથી ધરપકડ છે.અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે પિનલભાઇ પટેલે નોંધાવેલી ફરીયાદ અનુસાર, વર્ષ 2014માં તેની માતા ભવ્યતાબહેને ભાવનગરના તળાજા ખાતે રહેતા કેતન પ્રવિણભાઇ પટેલ (નાકરાણી) સાથે લગ્ન કર્યા હતા. અગાઉના પતિ સાથે છુટ્ટાછેડા લેતા સમયે તેઓને રૂ. 13 લાખ રોકડ અને 30થી 35 તોલા સોનુ આપ્યું હતુ. જે રૂપિયા અને સોના બાબતે કેતન પટેલ (નાકરાણી) અવાર નવાર ભવ્યતાબહેન સાથે ઝઘડો કરી માર મારતો અને મારી નાખવાની ધમકી આપતો હતો.
પતિના માનસિક અને શારીરીક ત્રાસથી કંટાળી ભવ્યતાબહેને તેની પીળા વિદેશમાં રહેતી તેમની દિકરીઓને ફોન પર જણાવતી હતી. કેતન સાથે લગ્ન થયા બાદ તેઓ જુદી જુદી જગ્યા રહેતા હતા. પરંતુ વર્ષ 2017થી બીલગામ સ્થિત પરમ એવન્યુ ખાતે ફ્લેટમાં રહેતા હતા. કેતન કોઇ કાંમ ધંધો કરતો ન હોવાથી અવારનવાર નાના-નાની બાબતે ભવ્યતાબહેન સાથે રૂપિયાની માગણી કરી ઝઘડો કરતો હતો.કેતનના ત્રાસથી કંટાળી ભવ્યતાબહેન છેલ્લા બે મહિનાથી છુટ્ટાછેડા લેવા માટે કોર્ટમાં કેસ કર્યો હતો. જેથી તેઓને રૂ. 5 લાખના બે ચેક કેતને આપ્યા અને રૂપિયા આપવા ન પડે તે માટે છુટ્ટાછેડા બાબતે ઝઘડો કરે છે તેવું ફોન પર વાતચિત કરતા સમયે ભવ્યતાબહેને તેમની દીકરી કરીશમાને જણાવ્યું હતુ. ત્યારબાદ ગત તા. 28 મે 2024ના દિવસબાદ તેમનો પુત્ર પીનલ અને દિકરીઓ તથા અન્ય સગાઓ ભવ્યતાબહેનને ફોન સતત ફોન કરતા હતા. પરંતુ તેમની તરફથી કોઇ જવાબ મળતો ન હતો. જેથી ચિંતિત થઇ બારડોલી ખાતે રહેતા તેમના પુત્રએ અટલાદરા પી.આઇ એમ.કે ગુર્જરનો નંબર મેળવી તા. 31 મેના રોજ રાત્રે 10 વાગ્યાની આસપાસ કોલ કરી કહ્યું “મારા મમ્મી ફોન નથી ઉપાડી રહ્યાં, મારે પોલીસની જરૂર છે...”
કોલ મળતાની સાથે જ અટલાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.કે ગુર્જરે તુરંત બીલગામ સ્થિત પરમ એવન્યૂ ખાતે પોલીસની ટીમ રવાના કરી હતી. જ્યાં પહોંચતા ફ્લેટના દરવાજે તાળુ મારેલુ જોવ મળ્યું અને અંદરથી ભારે દુર્ગંધ આવી રહીં હતી. જેથી ફાયર બ્રિગેડની મદદ મેળવી તાળુ તોડી અંદર જોતા સોફા ઉપર ડીકમ્પોઝ થયેલી હાલતમાં ભવ્યતાબહેનનો મૃતદેહ મળી આવ્યો હતો.આ મામલે પોલીસે તપાસ કરતા ભવ્યતાબહેનની હત્યા તેના પતિ કેતન પટેલ (નાકરાણી)એ કરી હોવાનુ સ્પષ્ટ થયું અને પોલીસે તેના પુરાવા પણ એકત્ર કરી લીધા હતા. જોકે પત્નીની હત્યા કર્યા બાદ હત્યારો પતિ કેતન વડોદરાથી અમદાવાદ અને દિલ્હી ફ્લાઇટમાં ફરાર થઇ ગયો હતો. દિલ્હી પહોંચી બાદ તે ટ્રેન મારફતે વારણસી અને ત્યાંથી ગોરખપુર થઇ નેપાળ પહોંચી ગયો હતો. બીજી તરફ હત્યારાને પકડવા પોલીસે સતત મોનિટરીંગ કરી હતી. તેવામાં હત્યારો કેતન પટેલ નેપાળથી લખનઉ પહોંચ્યો હોવાની પોલીસને જાણ થતાં વડોદરાથી એક ટીમ લખનઉ રવાના કરવામાં આવી તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
Reporter: News Plus