રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. સરકારે આ દુર્ઘટના માંથી બોધપાઠ લેતા હવે આકરા પગલા ભરવાના શરૂ કર્યા છે. પરંતુ આ બધું થોડા દિવસો પૂરતું જ નાટક બની રહેશે તેવું લોક મૂખે ચર્ચાઈ રહ્યું છે.
રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર NOC ના હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. આ નિર્ણયને પગલે કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે. જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા હુકમ કર્યા છે.રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરને આપેલી સૂચના મુજબ, રાજકોટની ઘટનાનું રાજ્યમાં ફરીથી પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર, રાજ્યમાં તમામ શહેરના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રજા એકઠી થાય છે એ તમામ સ્થળોની ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
સરકારના આ હુકમ પ્રમાણે દરેક જગ્યાએ સ્થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ચકાસણી કરવા જશે અને જે તે એકમમાં ફાયર NOCની ચકાસણી કરશે. જો કોઈ એકમ પાસે ફાયર NOC નહીં હોય તો તે એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.આ સૂચનાનો અમલ પણ તાત્કાલિક ધોરણે કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. પરંતુ છેલ્લા 30-30 વર્ષથી ગુજરાતમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ફાયર એનઓસી બીયુ પરમિશન સહિતની પરવાનગી વિના મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્થળોએ તંત્ર દ્વારા તપાસ કેમ કરાવવામાં આવી નહીં તેઓ સવાલ પણ ઊભો થાય છે.
Reporter: News Plus