News Portal...

Breaking News :

વરસાદના પાણીએ લગાડી આગ, સામાજિક કાર્યકર અને મહિલા નગર સેવક વચ્ચેના લેખિત શાબ્દિક તોપમારાથી ભડ ભડ સળગ્યું વોટ્સેપ

2024-08-27 21:45:06
વરસાદના પાણીએ લગાડી આગ, સામાજિક કાર્યકર અને મહિલા નગર સેવક વચ્ચેના લેખિત શાબ્દિક તોપમારાથી ભડ ભડ સળગ્યું વોટ્સેપ


પાણી આગ બુઝાવે.પરંતુ વરસાદનો અતિરેક થાય અને ચારે બાજુ પાણી પાણી થઇ જાય ત્યારે પાણી જાણે કે પેટ્રોલ નું કામ કરે છે. આફત માનસિક સંતુલન હલાવી દે છે અને વિવેકને માળિયે ચઢાવી દે છે..


ચારેક દિવસથી વરસાદી આપદા વકરેલા ગૂમડાં જેવી થઈ ગઈ છે. વાદળો ને લીધે અને સૂર્ય ગાયબ હોવાથી ચારે તરફ માયુસી નો માહોલ છે ત્યારે ભલભલાનું મગજ ફરી જાય છે અને આ ફરેલું મગજ ન કરવાનું કરાવે છે.ગનીમત છે કે આ વાક્યુદ્ધ સોશિયલ મીડિયા એટલે કે વોટ્સેપ વોલ પર થયું.જો સામસામે થયું હોય તો વાત મારામારી,ટોળા યુદ્ધ અને ખુનામરકી સુધી પહોંચી જાત એ નક્કી છે.જો કે ભડાશ નીકળી ગયા પછી બંને પક્ષોએ મગજ હળવું થઈ ગયાની રાહત અનુભવી હશે અને કેવી ચોપડાવી નો આત્મ સંતોષ અવશ્ય માન્યો હશે.નાગરિકો નોંધી લો..તમારા માટે આ મેં કરાવ્યુંની મમતમાં થી આ લડાઇ ફાટી નીકળી અને સામસામે શબ્દ મારામાં પરિણમી.એક નાનકડું મહા યુદ્ધ સોશિયલ મીડિયામાં ખેલાઈ ગયું અને જો બંને પક્ષો અથવા એક પક્ષ,આવા ના મોઢે શું લાગવું ની મોટાઈ દાખવીને સંયમ ના જાળવે તો ભવિષ્યમાં આ વિવાદમાં થી શેરી યુદ્ધનું મહાભારત ફાટે એવું બની શકે છે.અને આ યુદ્ધની વિશેષતા એ રહી કે બંને પક્ષોએ,એકબીજા સાથેના સારા સંબંધોની દુહાઈ આપીને બીજાને ચૂપ કરવાનો પ્રયત્ન કર્યો.


હવે જો સારા સંબંધો હતા તો વાત આટલી બધી વકરી કેમ એ પણ મોટો સવાલ છે.કારણ કે સારા સંબંધો હોય ત્યાં પરિસ્થિતિની સમજણ તો હોય જ.શરૂઆત માં બંને પક્ષોએ થોડો વિવેક જાળવ્યો અને પછી તો તું તા પર આવી ગયા.આ આફત ભલે ખૂબ મોટી છે પણ નગર સેવિકા ક્યારેય વિસ્તારના પ્રશ્નો ઉકેલવાની દરકાર કરતા નથી એટલે કે નિતાંત નિષ્ક્રિય છે એવો આરોપ મૂકવામાં આવ્યો.અને નગર સેવિકા તથા સમાજ સેવક,ના વિસ્તારો જુદા  હોવાનું પણ લાગ્યું.લાગે છે કે કોઈ જૂનો ઝઘડો કે વિવાદ  ભારે વરસાદ અને મુશ્કેલીઓ થી તાજો થયો.આગ પેટ્રોલ થી ભડકે પણ અહીં આગ પાણીથી ભડકી.બંને પક્ષોએ મોકો જોઈને પોતપોતાનો બાકી હિસાબ ચૂકતે કરવાની તક ઝડપી લીધી.અને વરસાદથી બોરિંગ બનેલા વાતાવરણમાં લોકોને મનોરંજન મળ્યું.વરસાદ આવે તો ચૂલે પેણી ચઢે અને ગરગરમ ભજીયા તળાય એવું હંમેશા બનતું નથી.ક્યારેક મગજની પેણી ચઢી જાય તો વિવાદ ના ભજીયા પણ તળાય..એટલે બોલ્યું ચાલ્યું માફ કરવું..

Reporter: admin

Related Post