બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપીને બાપોદ પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. પોલીસને આરોપી પોતાના મૂળ વતન ખાતે હોવાની ચોક્કસ બાતમી મળતા ટીમ રાજસ્થાન પહોંચી હતી અને આરોપીને ઝડપી વડોદરા લાવવામાં આવ્યો હતો.
બાપોદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2026માં નોંધાયેલા હત્યાના ગુનામાં કાળુ ઉર્ફે વિજેશ મેધરાજભાઈ વણઝારા વોન્ટેડ હતો. આરોપી સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(2), 118(1), 115(2) તેમજ જી.પી. એક્ટની કલમ 135(1) મુજબ ગુનો નોંધાયો હતો.
વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે બાપોદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન પોલીસ ટીમે હ્યુમન અને ટેકનિકલ રિસોર્સના આધારે આરોપીનું લોકેશન મેળવ્યું હતું. આરોપી રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના સાંગવાડા તાલુકાના ઓપચ્યા ગામે પોતાના મૂળ વતનમાં હાજર હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસ કર્મચારીઓની ટીમને રાજસ્થાન મોકલવામાં આવી હતી.
પોલીસ ટીમે ઓપચ્યા ગામે તપાસ કરતાં કાળુ ઉર્ફે વિજેશ વણઝારા હાજર મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.
પોલીસની આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. લાડુમોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આરોપી વડોદરાના આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાછળ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો હોવાનું પોલીસે જણાવ્યું છે.
Reporter: admin







