શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી પત્થરગેટ ખાતે જયકુબેર રેસીડેન્સીના પાંચમા માળે આવેલા ફ્લેટમાં ચાલતા જુગારધામ પર રેઇડ કરી 13 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ, મોબાઇલ ફોન, પત્તા અને વાહનો સહિત કુલ રૂ.3,25,150નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે, તુષાર કણસે પોતાના કબ્જાના મકાનમાં બહારથી લોકોને બોલાવી પૈસાની હારજીતનો જુગાર રમાડે છે. જેના આધારે ટીમે જયકુબેર રેસીડેન્સીના પાંચમા માળે આવેલા મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચતા મકાનમાં 13 ઈસમો ગોળકુંડાળું વળી તીન પત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ.25,150 રોકડ, 15 મોબાઇલ ફોન, 104 પત્તા, જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાયેલા પાંચ વાહનો અને મકાનનું લાઇટ બિલ સહિત કુલ રૂ.3.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે પકડેલા ઈસમોમાં તુષાર મુકેશભાઇ કણસે, જીતેંદ્ર મંગળભાઇ કહાર, રાજેંદ્ર સુનિલભાઇ સપકાલ, પ્રશાંત રમેશચંદ્ર ખોનાર, પિયુષ અમૃતભાઇ રાજપુત, રોહન રાજેશભાઇ ચૌહાણ, વિકાસ અરવીંદભાઇ ઓડ, હેમંતભાઇ દિનેશભાઇ વસાવા, સુનિલ મોહનસીંગ રાજપુત, પવન સુરેશભાઇ માળી, હિરેન રાજેશભાઇ મસ્કે, ધ્રુવલ કૈલાશભાઇ ઓડ અને પ્રદીપ રાજેશભાઇ દીધેનો સમાવેશ થાય છે.
તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે નવાપુરા પોલીસને સોંપવામાં આવ્યા છે.
Reporter: admin







