વિટકોસ બસ ડેપોના અંદરના ભાગે રિક્ષામાં બેસીને બે ઈસમો કેફી પીણું જેવું કંઈક પીતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોશિયલ મીડિયા અને ન્યૂઝ માધ્યમોમાં વાયરલ થયેલા વીડિયોમાં વિટકોસ બસ ડેપોની અંદર રિક્ષામાં બેસીને બે ઈસમો જાહેરમાં કેફી પીણું જેવું કંઈક પીતા જોવા મળ્યા હતા. આ વીડિયો પોલીસના ધ્યાને આવતા સયાજીગંજ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચના તેમજ અધિક પોલીસ કમિશનર સુધીર દેસાઈ અને ઝોન-1ના ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર મંજીતા વણજારાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ‘એ’ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર ડી.જે. ચાવડાના માર્ગદર્શન અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. ગમારાની સૂચનાથી પોલીસ ટીમે વાયરલ વીડિયોની તપાસ કરી હતી.
ટેકનિકલ અને માનવ સ્ત્રોતની મદદથી વીડિયોમાં દેખાતી રિક્ષાની ઓળખ કરવામાં આવી હતી. રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર GJ-06-AY-9468 હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે રિક્ષાના ચાલક તેમજ વીડિયોમાં કેફી પીણું જેવું કંઈક પીતા બંને ઈસમોને શોધી ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા ઈસમોમાં સલમાન મુસ્તાક દીવાન અને મોહિત રાજેશ ભોસલેનો સમાવેશ થાય છે. બંને સામે સયાજીગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે. ગમારા, PSI જે.કે. રાઠોડ સહિત પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.
Reporter: admin







