વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા હાથ ધરાયેલા ‘ઓપરેશન પરાક્રમ’ અંતર્ગત વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં વોન્ટેડ આરોપીને વલસાડ જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં 15 એપ્રિલ 2026ના રોજ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 98(2), 81 અને 83 મુજબ ગુનો નોંધાયો હતો.
આ ગુનામાં સંડોવાયેલો આરોપી મિતેષભાઈ ભીખુભાઈ પટેલ ગુનો નોંધાયા બાદ પોલીસથી બચવા માટે નાસતો ફરતો હતો.
વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચનાથી પેરોલ-ફર્લો સ્કવોડ દ્વારા નાસતા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ સ્થળે વોચ ગોઠવી માહિતી એકત્ર કરવામાં આવી રહી હતી. દરમિયાન પેરોલ-ફર્લો સ્કવોડના સ્ટાફને મિતેષ પટેલ વલસાડ જિલ્લામાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે. જતની આગેવાની હેઠળ ટીમને વલસાડ મોકલવામાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે તપાસ કરતાં મિતેષ પટેલ ચિખલા ગામ, તા.જિ. વલસાડ ખાતે હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી આરોપી મિતેષભાઈ ભીખુભાઈ પટેલને ઝડપી લીધો હતો.
પકડાયેલા આરોપીને આગળની જરૂરી કાર્યવાહી માટે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. સમગ્ર કાર્યવાહી પેરોલ-ફર્લો સ્કવોડના કર્મચારીઓ અલ્પેશભાઈ જીવણભાઈ, સંજયભાઈ ગોવિંદભાઈ અને દિલીપસિંહ નટવરસિંહ સહિતની ટીમે કરી હતી.
Reporter: admin







