વડોદરા શહેરના એમજી રોડ સ્થિત 172 વર્ષ જૂના રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહ પૂર્વે ભગવાનને સલામી આપવા તોપ ફોડવાની પરંપરા 28 વર્ષથી કાયદાની ગૂંચવણમાં ફસાયેલી છે. સલામતીના પ્રશ્ને સિવિલ કોર્ટમાં ચાલતા કેસમાં કોર્ટની પરવાનગી લઇ તોપનું ગત તા. 27 જાન્યુઆરીના રોજ નવલખી મેદાન ખાતે પરીક્ષણ કરાયું હતું. નિરીક્ષણ ટીમ દ્વારા તોપ ફોડવામાં કોઇ વાંધો ન હોવાનું જણાવ્યું હતું. જોકે, ટીમ દ્વારા રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેની સુનાવણી આગામી તા. 06/05/2024ના રોજ હાથ ધરાશે.નવલખી મેદાનમાં પરિક્ષણ થયું હતું.આ અંગે શ્રી રણછોડરાયજી મંદિરના પૂજારી જનાર્દન દવેએ કહ્યું કે, પાલનપુરથી ખાસ દારૂગોળાને પેટીમાં લાવવામાં આવ્યો હતો. દારૂગોળાની ટીમ દ્વારા માદરપાટના કાપડમાં આ પાઉડરને પેક કરી મૂકવામાં આવ્યો હતો. જેમાં 250થી 300 ગ્રામ દારૂગોળો ઉપયોગમાં લેવાયો હતો. ત્યાર બાદ તોપ ફોડાઇ હતી. તોપ ફૂટીને દારૂગોળો કેટલે દૂર જઇ પડ્યો તેનું અંતર માપી પરીક્ષણ કરાયું હતું. સિવિલ કોર્ટમાં જુબાની વેળા કોર્ટે પૂછ્યું કે, તોપ બરાબર છે કે નહીં તે જાણવા તેનું ટેસ્ટિંગ કરાયું તો વાંધો નથી ને. જેથી મેં ટેસ્ટિંગની હા કહેતાં કોર્ટે પરમિશનની અરજી આપવા જણાવ્યું હતું, જે મેં આપી હતી. તે બાદ 27 જાન્યુઆરી 2024ના રોજ નવલખીમાં ટેસ્ટિંગ કરાયું હતું.
Reporter: News Plus