News Portal...

Breaking News :

વડોદરામાં 'વંદે ભારતમ્' નાટકનું ભવ્ય મંચન, 'વંદે માતરમ્'ના 150 વર્ષની ઉજવણી

2026-07-13 17:17:03
વડોદરામાં 'વંદે ભારતમ્' નાટકનું ભવ્ય મંચન, 'વંદે માતરમ્'ના 150 વર્ષની ઉજવણી

સંગીત નાટક અકાદમી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ડ્રામેટિક્સના સંયુક્ત ઉપક્રમે પ્રો. સી.સી. મહેતા ઓડિટોરિયમ ખાતે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રીય નાટ્ય ઉત્સવ અંતર્ગત ભવ્ય મલ્ટીમીડિયા નાટક **'વંદે ભારતમ્'**નું મંચન કરવામાં આવશે. આ આયોજન ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય, સંગીત નાટક અકાદમી તથા મહાકવિ કાલિદાસ જયંતી અને 'વંદે માતરમ્'ના 150 વર્ષની ઉજવણીના અવસરે કરવામાં આવ્યું છે.

આ નાટકમાં લગભગ 75 કલાકારો ભાગ લઈ રહ્યા છે અને છેલ્લા ઘણા દિવસોથી દરરોજ લગભગ 12 કલાક સુધી સતત રિહર્સલ કરવામાં આવી રહી છે. ગીત, સંગીત, નૃત્ય અને નાટ્યકલાનો સમન્વય ધરાવતી આ રજૂઆત રાષ્ટ્રીય સ્તરની વિશિષ્ટ કૃતિ તરીકે રજૂ થશે.
નાટકમાં આધુનિક યુવાનો અને શહીદ ભગતસિંહ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓ વચ્ચેના કલ્પિત વૈચારિક સંવાદ દ્વારા રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપવામાં આવશે. સાથે જ 1942ના ભારત છોડો આંદોલન દરમિયાન ઉષા મહેતાનો ગુપ્ત કોંગ્રેસ રેડિયો, ગુજરાત કોલેજના શહીદ વિનોદ કિનારીવાલાનું બલિદાન, પાલચિતરિયા (દઢવાવ) ગોળીબાર, બિરસા મુંડાનો સંઘર્ષ તેમજ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની નિર્ભીકતાને જીવંત કરવામાં આવશે.

વર્ષ 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલા 'વંદે માતરમ્' ગીતની રચનાથી લઈને તે કેવી રીતે સ્વાતંત્ર્ય સંગ્રામનું પ્રેરણાસ્ત્ર બન્યું તેની ઐતિહાસિક સફર પણ નાટકમાં દર્શાવવામાં આવશે. વડોદરામાં મહર્ષિ અરવિંદે કરેલા તેના પ્રથમ અંગ્રેજી અનુવાદ તેમજ વિવિધ ભારતીય ભાષાઓમાં થયેલા અનુવાદ અને પ્રખ્યાત સંગીતકારો દ્વારા થયેલી સંગીતમય રજૂઆતોને પણ સ્થાન આપવામાં આવ્યું છે.


આયોજકોના જણાવ્યા મુજબ, 'વંદે ભારતમ્' માત્ર એક નાટક નહીં પરંતુ મહાકવિ કાલિદાસને અર્પિત સ્મરણાંજલિ અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં 'વંદે માતરમ્'ના અમૂલ્ય યોગદાનને સમર્પિત શ્રદ્ધાંજલિ છે. શહેરના કલાપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકોને આ ઐતિહાસિક રજૂઆત નિહાળવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

Reporter: admin

Related Post