News Portal...

Breaking News :

વેમાલીના રોડ પર ભુવાનું સામ્રાજ્ય, તંત્રના વાયદા પોકળ સાબિત

2026-07-27 12:14:52
વેમાલીના રોડ પર ભુવાનું સામ્રાજ્ય, તંત્રના વાયદા પોકળ સાબિત

વડોદરા શહેરમાં સમાવિષ્ટ વેમાલી વિસ્તાર આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યો છે. હજારો લોકોની રોજિંદી અવરજવર ધરાવતા વેમાલી ગામના મુખ્ય રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને સામાન્ય વરસાદમાં જ રોડ પર મસમોટા ભુવા પડવાનો સિલસિલો યથાવત્ છે, જે તંત્રની બેદરકારીનો જીવતોજાગતો પુરાવો બની રહ્યો છે.


સ્થાનિક સામાજિક કાર્યકરે અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરીને જવાબદાર અધિકારીઓને જગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તંત્રના કાન પર જૂ સુધ્ધાં રખડી નહીં. થોડા દિવસો પહેલાં જ ડેપ્યુટી કમિશનર જાતે સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી ગયા હતા અને હાજર અધિકારીઓએ યોગ્ય કામગીરી કરવાની બાહેધરી પણ આપી હતી. પરંતુ વાયદા માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેમ, હવે એક જ રોડ પર ત્રણથી ચાર જગ્યાએ ભુવા પડતાં તંત્રનું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે.
આ ઘટનાથી રોષે ભરાયેલા સામાજિક કાર્યકરે તંત્ર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, "કરોડોના ખર્ચે બનતા રોડ થોડા જ વરસાદમાં ધોવાઈ જાય, અને એ જ જગ્યાએ વારંવાર ભુવા પડે એ સ્પષ્ટ કરે છે કે કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો છે." તેમણે તાત્કાલિક અસરથી સંબંધિત કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની અને બેદરકાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માંગ કરી હતી.
માત્ર રોડની જ નહીં, વેમાલી વિસ્તારમાં પીવાના પાણી અને ડ્રેનેજ વ્યવસ્થા પણ કથળેલી હાલતમાં હોવાનો આક્ષેપ કરાયો છે. વર્ષોથી અહીંના રહીશો દૂષિત પાણી અને ડ્રેનેજ ઓવરફ્લોની સમસ્યાથી ત્રસ્ત છે, પરંતુ તંત્રએ કાયમી ઉકેલ લાવવાને બદલે માત્ર તકલાદી મલમપટ્ટી કરીને સંતોષ માન્યો છે.

સામાજિક કાર્યકરે તંત્રને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપતાં કહ્યું કે, આગામી 24 કલાકમાં જો તમામ ક્ષતિગ્રસ્ત રોડની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં નહીં આવે, તો રોડ પર જ બેસીને રામધૂન સાથે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. તેમણે ઉમેર્યું કે હવે માત્ર બાહેધરી કે વાયદાથી નહીં ચાલે, નક્કર કામગીરી જ જોઈએ.
આ સમગ્ર મામલે તંત્ર હવે કેટલી ગંભીરતાથી પગલાં ભરે છે અને વેમાલીવાસીઓને ક્યારે રાહત મળે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

Reporter: admin

Related Post