વડોદરા : ઘરમાં કલરકામ કરવા માટે આવેલા કારીગરોએ હાથફેરો કરતા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ આરોપીઓને દબોચી લેવા માટે પીઆઇ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
બંને આરોપીઓ મુંબઇની હોટલમાં હોવાની બાતમી મળતા વડોદરા પોલીસે મુંબઇ પોલીસની મદદથી આરોપીઓને દબોચી લીધા.તાજેતરમાં વડોદરાના છાણી પોલીસ મથકમાં ફરિયાદી મધુબેન ગુપ્તાના ઘરે કલરકામ કરવા માટે આવેલા કારીગરો કલર કરતા હતા. દરમિયાન તેઓ 20 ઓક્ટોબરના રોજ કડવા ચોથ નિમિત્તે પોતાના દિકરાને ત્યાં બપોરે ગયા હતા. તેવામાં કલરકામ ચાલી રહ્યું હતું. જે બાદ રાત્રે મહિલા પરત ફરતા પોતાના ઘરના બેડરૂમમાં મુકેલી તિજોરી ખુલ્લી મળી આવી હતી. તે બાદ તિજોરીમાં તપાસ કરતા તેમાં મુકેલી સોનાની બંગડી, ચેઇન, અને વિંટીઓ મળીને કુલ રૂ. 1.92 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી થયું હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પીઆઇ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
જે અંતર્ગત તેમને બાતમી મળી કે, બંને આરોપીઓ હાલ ડોંગરી પોલીસ મથક વિસ્તારમાં આવેલી અજમેરી હોટલમાં રોકાયા છે. જેના આધારે સર્વેલન્સ સ્કવોર્ડમાં ફરજ બજાવતા જવાનોને તપાસ કરવા માટે સુચન કર્યું હતું. બાદમાં ડોંગરી પોલીસની મદદ લઇને પુરેપુરા મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. બાદમાં બંનેને વડોદરાના છાણી પોલીસ મથક ખાતે લાવીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બંને આરોપીઓ મો. માસુમ મો, મુખ્તાર શેખ (રહે. મૈસી, મંગલપુરા, પૂર્વી ચંપારણ, બિહાર) અને મો. ઇદ્ગિશ મો. ઇશ્રાફીલ શેખ (રહે. મોતીજીલ ચોક લાલુ, ઇસ્ટ ચંપારણ, બિહાર) સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે બંને પાસેથી રૂ. 1.85 લાખનો મુદ્દામાલ મેળવવામાં સફળતા મળી છે.
Reporter: admin