શહેરના ગોત્રી GMERS કોલેજમાં ફી વધારો પાછો ખેંચવાની માગને લઇ NSUIનો ગોત્રી મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.ડીન પર ચલણી નોટો ઉડાવી હતી.વિરોધ ના પગલે પોલીસે NSUI ના કાર્યકરોની ટીંગાટોળી કરી હતી.
રાજ્યભરમાં GMERS કોલેજ દ્વારા MBBSની ફીમાં કરેલા અસહ્ય વધારાનો NSUI દ્વારા શુક્રવાર ના રોજ ગોત્રી મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ ફી મામલે ડીનને રજૂઆત કરી હતી અને ત્યારબાદ નકલી ચલણી નોટો ડીન પર ઉડાવી હતી. આ સમયે પોલીસે ટીંગાટોળી કરીને 10થી વધુ NSUIના કાર્યકરોની અટકાયત કરી હતી. કાર્યકરોએ ભાજપ હાય હાય ના નારા લાગ્યા હતા. NSUIના વિરોધ પ્રદર્શન બાદ ABVPના કાર્યકરોએ પણ વિરોધ કર્યો હતો અને આવેદનપત્ર આપ્યું હતું.
સરકાર શિક્ષણની મોટી-મોટી વાતો જ કરે છેઃ NSUI એ ડીનને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને ઊંચી ફી ચૂકવી અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવું ન પડે તે હેતુથી સરકારે 2010માં અંદાજે 8,500 કરોડના કેપીટલ ખર્ચે 13 જિલ્લામાં MBBS તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે GMERS મેડિકલ કોલેજ શરૂ કરી હતી. પરંતુ ગત તારીખ 28મી જૂને રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલીત 13 મેડિકલ કોલેજની ફીસમાં રાતોરાત વધારો કરી દીધો હતો. આ એ બાબત દર્શાવે છે કે, શિક્ષણની મોટી-મોટી વાતો કરતી વર્તમાન સરકારને વિદ્યાર્થીના ભવિષ્યની કોઈ પણ જાતની ચિંતા નથી.
Reporter: News Plus