વડોદરા: વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે દર મંગળવારે યોજાતી નિયમિત રિવ્યુ બેઠક મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં પાલિકાના તમામ વિભાગોના વડાઓ હાજર રહ્યા હતા અને શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન શહેરમાં પાણી પુરવઠા અને ડ્રેનેજ સંબંધિત કામગીરી પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કમિશનરે જણાવ્યું કે પાણીની સમસ્યાનું મોટા ભાગે નિરાકરણ આવી ગયું છે, જ્યારે ડ્રેનેજના બાકી રહેલા કામોને ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
વરસાદના કારણે અટકેલી આજવા જળાશયથી આવતી 50 MLD પાણીની લાઇનનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. આગામી 15થી 20 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પૂરતો પાણી પુરવઠો પહોંચે તે માટે કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે.
આ ઉપરાંત શહેરના રોડ-રસ્તાઓના સમારકામ, ટ્રાફિક વ્યવસ્થાના સુધારા માટે પોલીસ વિભાગ સાથે સંકલન તેમજ આવનારી રથયાત્રાને ધ્યાનમાં રાખીને માર્ગો, સ્ટ્રીટ લાઇટિંગ અને વૃક્ષોની ટ્રિમિંગ સહિતની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે તમામ વિકાસકાર્યો સમયમર્યાદામાં પૂર્ણ થાય અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે.
Reporter: admin







