News Portal...

Breaking News :

16 જુલાઈએ વડોદરાના આ રસ્તા પર ન નીકળતા!: જગન્નાથજીની 45મી રથયાત્રાને લઈ ‘નો-પાર્કિંગ’ ઝોન જાહેર

2026-07-14 10:05:07
16 જુલાઈએ વડોદરાના આ રસ્તા પર ન નીકળતા!: જગન્નાથજીની 45મી રથયાત્રાને લઈ ‘નો-પાર્કિંગ’ ઝોન જાહેર

વડોદરા શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજીની 45મી પરંપરાગત રથયાત્રા 16 જુલાઈ, બુધવારના રોજ ભક્તિભાવપૂર્વક યોજાશે. રથયાત્રા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તેમજ વાહનવ્યવહાર સુચારૂ રીતે સંચાલિત થઈ શકે તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જાહેરનામું બહાર પાડી રથયાત્રાના સમગ્ર રૂટને 'નો-પાર્કિંગ ઝોન' જાહેર કર્યો છે. સાથે જ ટ્રાફિક ડાયવર્ઝનની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે અને કેટલાક માર્ગો પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે.

પોલીસ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ રથયાત્રા દરમિયાન રૂટ પર કોઈપણ પ્રકારના વાહનો પાર્ક કરવાની મંજૂરી રહેશે નહીં. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા તેમજ ટ્રાફિક પોલીસની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.


ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા 16 જુલાઈના રોજ રેલવે સ્ટેશનથી પ્રસ્થાન કરશે અને એમ.એસ. યુનિવર્સિટી રોડ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટોમોબાઇલ (પંચમુખી હનુમાન મંદિર), આરાધના સિનેમા ત્રણ રસ્તા, ફુલબારી નાકા, કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, જયુબિલીબાગ સર્કલ, ગાંધી નગરગૃહ, પ્રતાપ સિનેમા, લાલકોર્ટ બિલ્ડિંગ, ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડીયાબજાર, ખંડેરાવ માર્કેટ, વીર ભગતસિંહ ચોક, મદનઝાંપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી, આઝાદ મેદાન, જયરત્ન બિલ્ડિંગ, કેવડાબાગ, પેલેસ મટન શોપ અને બગીખાના ત્રણ રસ્તા થઈ બરોડા હાઈસ્કૂલ ખાતે પહોંચશે. રથયાત્રા સાંજે અંદાજે 8:30 વાગ્યે પૂર્ણ થશે.

પોલીસ તંત્રએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે રથયાત્રાના દિવસે શક્ય હોય ત્યાં સુધી આ રૂટ પર વાહન લઈને ન આવે અને ટ્રાફિક ડાયવર્ઝન અંગે અગાઉથી માહિતી મેળવી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. ઉપરાંત રથયાત્રા દરમિયાન શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ અને પ્રશાસન સાથે સહકાર આપવા પણ અપીલ કરવામાં આવી છે.

Reporter: admin

Related Post