સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીન પર ખેડાણ અને દબાણના મુદ્દે સ્થાનિક આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાગબારા તાલુકાના લોકો દ્વારા ઉમરપાડાની જંગલ જમીન પર કથિત ગેરકાયદેસર ખેડાણ અને દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે આશરે 2 હજાર આદિવાસીઓએ વિશાળ વિરોધ રેલી યોજી હતી.
રેલી દરમિયાન લોકોએ **“જંગલ બચાવો, આદિવાસી બચાવો”**ના નારા લગાવ્યા હતા. રેલી બાદ આદિવાસીઓ ઉમરપાડા મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને રાજ્યપાલને સંબોધિત આવેદનપત્ર મામલતદારને સુપરત કર્યું હતું.
આદિવાસી મહિલા આગેવાન અને ખોટારામપુરાના સરપંચ ચંદનબેન વસાવાએ આક્ષેપ કર્યો હતો કે સાગબારા વિસ્તારના કેટલાક લોકો ઉમરપાડામાં જંગલ જમીન પર દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને સ્થાનિકોને ધમકાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે સ્થાનિક વિસ્થાપિતોના હકો હજુ બાકી છે અને આદિવાસીઓ પોતાની જમીનનો એક પણ ઇંચ આપવા તૈયાર નથી.
તાલુકા આદિવાસી આગેવાન જીવણભાઈ વસાવાએ પણ આક્ષેપ કર્યો કે ખોટા પુરાવાના આધારે સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સ્થાનિક આદિવાસીઓએ ચીમકી આપી છે કે જો ગેરકાયદેસર ખેડાણ અને દબાણની પ્રવૃત્તિઓ નહીં અટકે તો આગામી દિવસોમાં મોટા પાયે ધરણા અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
Reporter: admin







