વડોદરા ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના ભાઈના ફોન પર કોઈ અજ્ઞાત શખ્સે રૂપિયા એક કરોડની ખંડણીની માંગણી કરતા ખળભળાટ મચી ગયો હતો. આ
બનાવ અંગે ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહે વડોદરા
ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફોન કોલને આધારે ખંડણીખોરની શોધખોળ શરૂ કરી હતી. જે દરમિયાન
પોલીસને પૂર્વ નોકર પર શંકા જતા તેમણે વોચ ગોઠવીને બે આરોપીઓને આબાદ ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે એક દેશી તમંચો, છ જીવતા કારતૂસ
અને બે મોબાઈલ જપ્ત કર્યા છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ચાણક્યપુરી ચાર રસ્તા પાસે આવેલી મંગલ તીર્થ સોસાયટીમાં રહેતા અને ભાજપ કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના ભાઈ સીતારામસિંહ
નારણસિંહ રાજપુરોહીતે પોલીસ ફરિયાદ નોંધાવી છે
કેછેલ્લા પંદર વર્ષથી હું ન્યુ સમા રોડ પર અભિલાષા ચોકડી પાસે ખેતેશ્વર સ્વિટસ નામની ફરસાણની દુકાન ચલાવુ છું.
૧૨મી જૂનના રોજ હું સાંજના સમયે ઘરેથી નિકળીને દુકાન તરફ જઈ રહ્યો હતો. તે વખતે સાંજના સમયે મારા મોબાઇલ પર ફોન કરી એક શખ્સે કોલ કરી હિન્દી ભાષામાં મારી
સાથે વાત કરી સીતારામજી બરોડા ખેતેશ્વરસે બોલ રહે હો તેમ પુછતા મેં હા પાડી હતી.
ત્યારબાદ તેણે મને 'એક કરોડ રૂપીયે તૈયાર રખના નહી તો આપ કા પુરા કામ તમામ
કર દુગા ઔર વિક્રમ કા કામ તમામ હો જાયેગા' તેમ ધમકી આપી હતી. જેથી મને આ કોલ કરનાર ફ્રોડ લાગતા મેં ફોન કાપી નાખ્યો હતો.
થોડી વાર પછી એજ નંબર ઉપરથી
વિક્રમ કા કામ હો જાયેગા તેવો એક ટેક્સ મેસેજ મારા નંબર ઉપર આવ્યો હતો.
થોડીવાર પછી એજ નંબર ઉપરથી ફરી ફોન આવતા મેં ફોન ઉપાડતા સામેથી ધમકી ભર્યા
અવાજમાં પૈસો કા ઇંતજામ કર દો વરના ખુન કી નદીયા બહા દુંગા..તેવી ધમકી આપતા મેં તે ફોન કરનાર વ્યક્તિને કોઇ જવાબ
આપ્યા વગર ફોન કાપી નાખયો હતો. બાદ મેં
મારી રીતે માહીતી મેળવતા મને જાણવા મળ્યું હતું કે અમારી દુકાનમાં અગાઉ કામ કરતો રામ નિવાસ ઉર્ફે શ્યામ બિસનોઈ (રહે, ખુધનગર જિલ્લા-જોપપુર રાજસ્થાનનું વર્તન
બરાબર ન હોવાથી તેને નોકરીમાથી છુટો કર્યો હતો. જેથી તે પણ મારાથી નારાજ હોય તેને પણ આવી કરી હોઈ શકે અથવા કરાવી શકે તેવો શક મને છે.
14 જૂનના રોજ
રાત્રિના આઠ વાગ્યાના અરસામાં હું મારી ખેતેશ્વર ફરસાણની દુકાનમાં હાજર હતો. તે વખતે ફરીથી ફોન આવ્યો હતો જેમાં સીતારામ ભોલ રહે હો સીતારામજી સે બાત કરાઓ જો
બાત હુઈ હૈ વો યાદ રખ લે ઔર
જો બોલા હૈ વો કર વરના બુરા હાલ હોગા ઔર ઘર સે અર્થિયા ઉઠેગી...ફોન રેકોર્ડ કરના હો તો કર લેના... તેમ કહી મને તથા મારા દિકરાને
જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી હું ગભરાઈ ગયો હતો અને ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેની ગંભીર નોંધ લઈને ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી
હતી. પોલીસને ખેતેશ્વર સ્વિટમાં કામ કરતા રામનિવાસ ઉર્ફે શ્યામ બિશ્નોઈ પર શંકા હતી. રામનિવાસનો એના શેઠ સાથે અણબનાવ હતો એટલે એ જ ખંડણી માટે ફોન કરતો
હોય એવો પાક્કો ભરોસો પોલીસને હતો. આખરે, પોલીસે રામનિવાસ ઉર્ફે શ્યામ ભંવરલાલ બિશ્નોઈ (રહે. જોધપુર, રાજસ્થાન) અને પ્રહલાદ ઉર્ફે પીપી માંગીલાલ બિશ્નોઈ (રહે.
ખેતાસર, તા. ઓશિયા, જોધપુર, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી પોલીસે એક પિસ્તોલ અને છ જીવતાં કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેઓની પુછપરછ હાથ ધરી છે.
પૂર્વ નોકરે શેઠ સાથે અદાવત રાખીને પોત પ્રકાશ્યું
મૂળ રાજસ્થાનનો રામનિવાસ ઉર્ફે શ્યામ બિશ્નોઈ નોકરી કરવા માટે વડોદરા આવ્યો હતો. અહીં નોકરી દરમિયાન તેનો શેઠ સાથે વાતવાતમાં વિવાદ થતો હતો. એટલે શેઠે એને નોકરી પરથી રવાના કર્યો હતો. વીસેક દિવસ પહેલા રામનિવાસે નોકરી પાછી મેળવવાની કોશિષ કરી હતી. પણ એનો મેળ ખાધો ન હતો. આખરે, તેણે શેઠની પાસેથી ખંડણી ઉઘરાવી લેવાનુ કાવતરું ઘડી કાઢ્યુ હતુ. ઘટનાને સુપેરે પાર પાડવા માટે તેણે પોતાના જૂના મિત્ર પ્રહલાદ ઉર્ફે પીપી માંગીલાલ બિશ્નોઈની મદદ લીધી હતી. પ્રહલાદ મોટો ગુનેગાર હતો એટલે પૈસાની લાલચમાં તેણે વડોદરાના ખેતેશ્વર સ્વીટના માલિકને ફોન કરીને એક કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જે લેવા માટે તે વડોદરા આવ્યો હતો અને ક્રાઈમ બ્રાંચે એને દબોચી લીધો હતો.
પોલીસને ખબર હતી કે, આરોપી પિસ્તોલ રાખે છે
ખેતેશ્વર સ્વીટના માલિક પાસે ખંડણી માંગવાના ગુનામાં પોલીસની શંકાના દાયરામાં સૌથી પહેલા દુકાનનો પૂર્વ નોકર રામનિવાસ ઉર્ફે શ્યામ ભંવરલાલ બિશ્નોઈ આવ્યો હતો. પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સની મદદથી પહેલા એને દબોચી લીધો હતો. તેની પુછપરછમાં પ્રહલાદ ઉર્ફે પીપીનું નામ ખુલ્યુ હતુ. પોલીસને બાતમી મળી હતી કે, પ્રહલાદ ઉર્ફે પીપી વડોદરાના શાસ્ત્રી બ્રીજની નીચે આવવાનો છે. એટલે પોલીસે એની ફિલ્ડીંગ ગોઠવી હતી. પોલીસને બાતમી હતી કે, પ્રહલાદ પોતાની પાસે બંદૂક જેવુ વેપન રાખે છે. એટલે પોલીસે સાવચેતીપૂર્વક ઘેરો ઘાલીને એને દબોચી લીધો હતો.
આરોપી પ્રહલાદ બિશ્નોઈ સામે દસ ગંભીર ગુના
વડોદરાના ન્યુ સમા રોડ પર આવેલા અભિલાષા ચાર રસ્તા પાસેની ખેતેશ્વર સ્વીટની દુકાનના માલિક પાસે રૂપિયા એક કરોડની ખંડણી માંગવાના ગુનામાં પકડાયેલો પ્રહલાદ ઉર્ફે પીપી બિશ્નોઈ મોટો ગુનેગાર છે. રાજસ્થાનના જુદાજુદા શહેરોમાં એની સામે મર્ડર, હત્યાની કોશિષ, ખંડણી, લૂંટ, છેતરપિંડી અને આર્મસ એક્ટ જેવા દસ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. પોલીસને આશંકા છે કે, પ્રહલાદ ઉર્ફે પીપીએ ગુજરાતમાં બીજા કોઈ શહેર કે જિલ્લામાં બીજા ગુના પણ કર્યા હશે. પોલીસે એની ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરી છે.
Reporter: News Plus