લંડન : બ્રિટનની સંસદમાં આ વખતે જબરદસ્ત વિરોધાભાસ જોવા મળ્યો છે. ભારતીય મૂળના પીએમ રિશી સુનાકની આગેવાની હેઠળના કન્ઝર્વેટિવ પક્ષ હારી ગયો છે.
બીજી તરફ બ્રિટનની સંસદમાં વિક્રમજનક સંખ્યામાં ભારતીય સાંસદો ચૂંટાઈ આવ્યા છે. આ વખતે ભારતીય મૂળના કુલ ૨૬ સાંસદો ચૂંટાયા છે, જ્યારે અગાઉની સંસદમાં ભારતીય મૂળના ૧૫ સાંસદો ચૂંટાયા હતા. બ્રિટનની ચૂંટણીમાં કુલ ૧૦૭ ભારતીય મૂળના ઉમેદવારો મેદાનમાં હતા અને તેમાથી ૨૬ ઉમેદવાર ચૂંટાઈ આવ્યા છે. સત્તા પર પંદર વર્ષ પછી પરત ફરેલી લેબર પાર્ટીએ સૌથી વધુ ૩૩ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જ્યારે કન્ઝર્વેટિવ પાર્ટીએ ૩૦ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. બ્રિટનના વિદાય લેનારા વડાપ્રધાન રિશી સુનાકને યોર્કશૅર કાઉન્ટીમાં રિચમંડ અને નોર્થલેર્ટોન મતવિસ્તારે તેમને મતદારોએ જીતાડયા છે.
આ સિવાય રિશી સુનાકની કન્ઝર્વેટિવ પક્ષમાંથી જીતનારા ભારતીય મૂળના ઉમેદવારોમાં ગોવાનીઝ મૂળની સ્યુએલા બ્રેવરમેન અને ગુજરાતી મૂળની પ્રીતિ પટેલે તેમની સીટ બચાવવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત ગગન મોહિન્દ્રાએ તેમની સીટ જાળવી રાખી હતી. જ્યારે શિવાની રાજાએ લેબર પાર્ટીના ભારતીય મૂળના ઉમેદવાર રાજેશ અગ્રવાલને હરાવીને જીત મેળવી હતી. જ્યારે લેબર પાર્ટીએ સૌથી વધુ ભારતીય મૂળના ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને સૌથી વધુ ભારતીય મૂળના ઉમેદવારો જીત્યા પણ હતા. તેમા ભારતીય મૂળની સીમા મલ્હોત્રાએ સરળતાથી વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત ગોવાના મૂળની વેલેરી વાઝ અને લિઝા નાંદીએ સરળતાથી વિજય મેળવ્યો હતો.આ ઉપરાંત લેબર પાર્ટીના વિજેતા બનેલા અન્ય ભારતીય મૂળના ઉમેદવારોમાં શીખ સાંસદ પ્રીત કૌર ગિલ, તરમનજીતસિંઘ ઢેસી, નવેન્દુ મિશ્રા, નાદિયા વ્હિટોમ, ફરીથી ચૂંટાઈ આવ્યા હતા.
Reporter: News Plus