વડોદરા :શહેરના યુવક પંકજ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ગત તા. 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી મારે પાકિસ્તાનમાં આવેલા પ્રાચિન શિવ મંદિર કટાસરાજ ખાતે કરવાની ઇચ્છા હતી.

જેથી મેં ભારત સરકાર તરફથી મળતી સુવિધાઓની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું હતું, ત્યારે મારા એક પરિચિત મારફતે મને આ યાત્રા માટે પાકિસ્તાનના વિઝા સહિતની તમામ સુવિધાઓ અંગે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.રાવલપિંડીમાં આવેલા ચકવાસ ગામમાં પહાડી વિસ્તાર છે, જ્યાં કટસરાજ શિવમંદિર આવેલું છે. કહેવાય છે કે, આ મંદિર 5000 વર્ષ જુનું છે અને અહીં સ્વયંભુ શિવલિંગ છે. આ મંદિરમાં રોજ સવારે આરતી થાય છે. કટસરાજ શિવમંદિર પરિસરમાં કૃષ્ણ અને હનુમાનજીનું પણ મંદિર છે. મહાશિવરાત્રિએ મંદિરમાં શિવના ભજન સાથે અમે 105 ભક્તોએ ઉજવણી કરી હતી. તેના સ્થાનિક લોકો અને પોલીસકર્મીઓ અને પાકિસ્તાન આર્મી જવાનોએ પણ ભજન સાથે અમારી સાથે પરંપરાગત ડાન્સ કર્યો હતો.
એ લોકોએ અમારા માટે ફટાકડાની પણ વ્યવસ્થા કરી હતી જેથી એને ફટાકડા ફોડ્યા હતા. ત્યાં દિવાળી જેવા માહોલ હતો. આખા મંદિરને અમે દીવાઓથી શણગાર્યું હતું. પાકિસ્તાનના વિઝા મેળવવા માટે જરૂરી દસ્તાવેજો એકત્ર કર્યા અને થોડા દિવસોમાં મારા વિઝા આવી ગયા હતા. ગત તા. 24 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધીના વિઝા આપવામાં આવ્યા હતા. યાત્રામાં મારી સાથે મારા સહિત કુલ 105 યાત્રી હતા. અમારી યાત્રા અમૃતસરથી શરૂ થઈ હતી. અમે વાઘા અટારી બોર્ડરથી પાકિસ્તાન પહોંચ્યા હતા. સૌથી પહેલાં અમે લાહોરમાં ડેરા સાહેબ ગુરૂદ્વારામાં રોકાણ કર્યું હતું. ત્યાર બાદ પાકિસ્તાનમાં અમારી યાત્રા શરૂ થઈ હતી. પાક.ના રાવલપિંડીમાં આવેલા ચકવાસ ગામમાં કટાસરાજ શિવમંદિર પહોંચીને મહાશિવરાત્રિ પર્વની ખુબ ઉત્સાહ ભેર ઉજવણી કરી હતી.
Reporter: admin