નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા 2020માં લાવવામાં આવેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
સરકારના આ ઉદેશ્ય બાદ શિક્ષણ મંત્રાલય અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ આ દિશામાં પહેલ કરી છે.આ અંતર્ગત 22 ભારતીય ભાષાઓમાં 22 હજાર પુસ્તકો તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કામ પાંચ વર્ષમાં પૂર્ણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સોમવારે દિલ્હીમાં આયોજિત વાઇસ ચાન્સેલરોની કોન્ફરન્સમાં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી.નવા શરૂ કરાયેલા આ પ્રોજેક્ટને ASMITA (ઑગમેન્ટિંગ સ્ટડી મટેરિઅલ્સ ઈન ઇન્ડિયન લીગવેજિસ થ્રુ ટ્રાન્સલેશન એન્ડ એકેડેમીક રાઇટિંગ ) નામ આપવામાં આવ્યું છે. તેનો ઉદ્દેશ્ય અનુવાદ અને શૈક્ષણિક લેખન દ્વારા ભારતીય ભાષાઓમાં અભ્યાસ સામગ્રીને પ્રોત્સાહન આપવાનો છે. આ ઉચ્ચ શિક્ષણ મંત્રાલયની ભારતીય ભાષા સમિતિનો અને યુજીસીનો સંયુક્ત પ્રયાસ છે. ભારતીય ભાષા સમિતિ એ ઉચ્ચ શિક્ષણ મંત્રાલયની ખૂબ સત્તા ધરાવતી સમિતિ છે.
ભારતીય ભાષાઓમાં પુસ્તકો લખવાના એકદિવસીય વર્કશોપમાં આ પરિયોજનાની જાહેરાત શિક્ષણ રાજ્ય મંત્રી સૂકાંત મજમુદાર દ્વારા કરવામાં આવી. યુજીસી અને ભારતીય ભાષા સમિતિ દ્વારા આયોજિત વર્કશોપમાં 150 થી વધુ યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલરો ઉપસ્થિત રહ્યા હતા.આ યોજના અંતર્ગત સૌપ્રથમ 12 ભારતીય ભાષાઓમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.આ ભાષાઓમાં પંજાબી, હિન્દી, સંસ્કૃત, બંગાળી, ઉર્દુ, ગુજરાતી, કન્નડ, મલયાલમ, મરાઠી, તમિલ, તેલુગુ અને ઉડિયાનો સમાવેશ થાય છે. આ માટે વર્કશોપમાં ભાગ લેનાર વાઇસ ચાન્સેલરોને 12 ગ્રુપમાં વિભાજીત કરવામાં આવ્યા હતા અને નોડલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને આ ગ્રુપનું નેતૃત્વ સોંપાયું છે.
Reporter: