વર્ષ ૧૯૭૫, ૨૫ જૂને ભારતીયોની સવાર તત્કાલીન સરકાર દ્વારા લાદવામાં આવેલ કટોકટીની ઓલ ઇન્ડિયા રેડિયોની જાહેરાતથી થઈ હતી.

લોકો હજી સવાર પડી અને જાગ્યા જ હતા પરંતુ સવારે સાત કલાકે ભારતીય નાગરિકોની સ્વતંત્રતા છીનવાઇ જવાના સમાચારે દરેકની ઊંઘ હરામ કરી હતી. આ કટોકટીમાં બંધારણીય જોગવાઈઓનું હનન થતા તેની ભારતના પ્રેસ અને મીડિયા સૌથી વધુ અસર પડી હતી. જેને કારણે આજે પણ ૨૫ જૂનના દિવસને ભારતીય લોકશાહીના કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે.કટોકટીની ઘોષણા સાથે જ, ભારતીય મીડિયા પર કડક સેન્સરશિપ લાદવામાં આવી. અખબારો અને મેગેઝિનોને કોઈ પણ સમાચાર કે લેખ પ્રકાશિત કરતા પહેલા સરકારી અધિકારીઓની મંજૂરી લેવી પડતી હતી. જે સમાચારો સરકારની છબીને નુકસાન પહોંચાડી શકે અથવા વિરોધને વેગ આપી શકે તેવા હતા, તેને છાપવાની મનાઈ ફરમાવવામાં આવી. જેનો વિરોધ કરનાર અનેક પત્રકારોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા, અને જે પ્રકાશકોએ સરકારના આદેશોનું પાલન કરવાનો ઇનકાર કર્યો, તેમને દંડિત કરવામાં આવ્યા. વીજળી કાપી નાખીને અખબારોને પ્રકાશન કરતા રોકવામાં આવ્યા, જેથી તેઓ સેન્સરશિપ વિરુદ્ધના સમાચારો છાપી ન શકે. આ પગલાંઓએ ભારતીય મીડિયાને સંપૂર્ણપણે નિયંત્રિત કરી દીધું, જેના પરિણામે જનતાને સાચી માહિતી મળતી બંધ થઈ ગઈ.પ્રેસ સેન્સરશિપના કારણે કટોકટીને લગતા સમાચારો ભારતીય સમાચાર પત્રો છાપી ન શક્યા પરંતુ વિશ્વના અનેક દેશોના નામાંકિત સમાચાર પત્રોએ કટોકટીની ઘટનાને ખુબ જ વખોડી હતી. તે સત્યવાણી ન્યૂઝ દ્વારા છપાયેલ તથા તમામ સમાચાર પત્રો અને સામયિકોના સમાચારોને એકત્ર કરીને એડિટર મકરંદ દેસાઈ દ્વારા "ધી સ્મગ્લર ઓફ ટ્રુથ" પુસ્તક વર્ષ ૧૯૭૮માં લંડન અને ન્યૂ યૉર્ક પ્રકાશિત કરવામાં આવી.જ્યારે ભારતમાં પ્રેસની સ્વતંત્રતા પર તાળું મારવામાં આવ્યું હતું. ત્યારે વિશ્વભરના અખબારોએ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી અને તેની આકરી ટીકા કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતમાં લોકશાહીના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.ધી ન્યૂ યોર્ક ટાઈમ્સ (The New York Times), ધી ગાર્ડિયન (The Guardian), ધી ટાઈમ્સ યુકે (The Times - UK) જેવા અગ્રણી દૈનિકોએ કટોકટી અને ભારતમાં પ્રેસ સેન્સરશિપ વિશે વિસ્તૃત કવરેજ આપ્યું હતું. તેઓએ ઇન્દિરા ગાંધીના નિર્ણયને "લોકશાહી માટે ખતરો" અને "સ્વતંત્રતા પર હુમલો" ગણાવ્યો હતો.
આ સાથે ધી ન્યૂ યોર્ક ટાઈમ્સે છાપ્યું કે, ત્રીજા વિશ્વના કેટલાક અન્ય નેતાઓની જેમ અન્ય લોકો પણ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે બ્રિટિશ શૈલીની સંસદીય લોકશાહી શરૂઆતમાં એક અજાણી સંસ્થાએ એવી ભૂમિ પર પ્રત્યારોપણ કરવાનો પ્રયાસ કર્યો છે જ્યાં મોટાભાગના લોકો અભણ છે અને મોટાભાગના લોકો ભૂખ્યા છે.જ્યારે સત્યવાણી ન્યૂઝ સર્વિસે છાપ્યું કે, કટોકટી દરમ્યાન સૌથી વધુ નુકસાન પામેલા જૂથોમાં ફેક્ટરી મજૂરો, નાની જમીન ધરાવતા ખેડૂતો, નાના અને મધ્યમ વ્યવસાયો, મધ્યમ વર્ગો અને શહેરી ગરીબોનો સમાવેશ થાય છે. બીજી તરફ યુનિયન ન્યુઝ સમાચારપત્રમાં તત્કાલીન ભારતીય સરકારે જૂના બોલ્શેવિક નિકોલાઈ બુખારિનનું સૂત્ર અપનાવ્યું છે: "હું બે-પક્ષીય વ્યવસ્થામાં માનું છું: એક પદ પર, બીજો જેલમાં."આ ન્યૂઝ પેપર્સમાં હેડલાઇન્સ ઘણીવાર ભારતમાં "લોકશાહીના પતન", "ધી અનરૂલ ઓફ લો" અથવા "સરકાર દ્વારા પ્રેસનું ગળું દબાવવા" વિશેની હતી. તેઓએ ભારતમાં વિરોધ પક્ષના નેતાઓની ધરપકડ, માનવાધિકારના ભંગ, અને મીડિયા પર લાદવામાં આવેલી સેન્સરશિપની વિગતો પ્રકાશિત કરી.કેટલાક અખબારોએ ભારતને "લોકશાહીથી સરમુખત્યારશાહી તરફ ગતિ કરતું રાષ્ટ્ર" તરીકે રજૂ કર્યું હતું. તેઓએ ભારતીય મીડિયા પર નિયંત્રણો લાદવામાં આવ્યા છતાં ભારતમાં શું ચાલી રહ્યું છે તેની સત્ય હકીકત રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.વોશિંગ્ટન પોસ્ટ (The Washington Post) અને અન્ય પશ્ચિમી અખબારોએ ભારતમાં રાજકીય કેદીઓ અને પ્રેસની સ્વતંત્રતાના ભંગના અહેવાલો પર ભાર મૂક્યો હતો. ઘણા સંપાદકીય લેખોમાં ભારતના આ પગલાની નિંદા કરવામાં આવી હતી અને લોકશાહીના સિદ્ધાંતોને જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી હતી.કટોકટી દરમિયાન દિવસે ને દિવસે વિદેશી મીડિયા પ્રતિનિધિઓને ભારતમાં કામ કરવાનું મુશ્કેલ બનતું જતું હતું. કેટલાક પત્રકારોને ભારતમાં પ્રવેશ આપવામાં ન્હોતો આવ્યો, જ્યારે કેટલાક પત્રકારોએ આપેલા અહેવાલોને લઈને સરકાર દ્વારા આક્ષેપોનો સામનો કરવો પડ્યો. આટલા પડકારો અને મર્યાદા વચ્ચે પણ વિદેશી મીડિયાએ ભારત કટોકટીનું યથાર્થ ચિત્ર વિશ્વ સમક્ષ રજૂ કર્યું હતું.કટોકટીનો સમય આપણને લોકશાહીની નાજુકતા અને તેનું મહત્વ સમજાવે છે. આ સમયમાં વિદેશી મીડિયાએ ભારતની સ્થિતિને વિશ્વ સમક્ષ મૂકવાની અને લોકશાહી માટે અવાજ ઊઠાવવાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. વિદેશી મીડિયા સંસ્થાઓએ કટોકટી વખતે ભારતીય લોકશાહીની રક્ષા માટે અને વૈશ્વિક જાગૃતિ માટે નોંધપાત્ર કામ કર્યું હતું.
Reporter: admin