દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સુંદર પ્રદર્શન કરીને 48 બેઠકો જીતી લીધી છે અને આમ આદમી પાર્ટીનો આ ચૂંટણીમાં સફાયો થઇ ગયો છે.

દિલ્હીની ચૂંટણીમાં વડોદરાના નેતાઓ અને કાર્યકરોની પણ મહેનત હતી અને જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે તેમની મહેનત પણ રંગ લાવી હતી. દિલ્હી વિધાનસભામાં 26 વર્ષ પછી ભાજપે સત્તા મેળવી છે અને અરવિંદ કેજરીવાલ તથા આમ આદમી પાર્ટીનો સફાયો કરી નાખ્યો છે. કેજરીવાલ પોતે પણ ચૂંટણી હારી ચુક્યા છે. દિલ્હીની ચૂંટણી જીતવા માટે ગુજરાતના કાર્યકરોને દિલ્હી મોકલવામાં આવ્યા હતા અને તેમાં વડોદરાના નેતાઓ અને કાર્યકરોનો પણ સમાવેશ થાય છે.

વડોદરાના પૂર્વ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રાહ્મભટ્ટ, રાજેન્દ્ર પટેલ (જિલ્લા પંચાયત સદસ્ય ) ,પૂર્વ કોર્પોરેટર કેતન બ્રાહ્મભટ્ટ, દિલીપ નેપાળીને પક્ષે ખાસ દિલ્હી મોકલ્યા હતા અને તેમને ત્યાં ભાજપને જીતાડવાની જવાબદારી સોંપાઇ હતી. શહેર ભાજપના આ નેતાઓએ છેલ્લા 15 દિવસથી દિલ્હીમાં રોકાઇને રાત દિવસ પક્ષને જીતાડવામાં મહેનત કરી હતી અને આજે જાહેર થયેલા પરિણામોમાં તેમની મહેનત પણ રંગ લાવી હતી. દિલ્હીમાં ભાજપની જીત થતાં આ કાર્યકરો અને નેતાઓમાં પણ ભારે ખુશી છવાઇ ગઇ હતી અને તેમણે પણ એકમેકને મીઠાઇ ખવડાવી જીતની શુભેચ્છા આપી હતી.
Reporter: admin