ફાયર એક્સ્ટિંગ્યુસર 2018 બાદ રીફીલ જ નથી કરાવાયા,ફાયર એલાર્મ પણ બંધ હાલતમાં વડોદરા શહેરમાં વિવિધ ખાનગી સંસ્થાઓમાં હાલ ચકાસણી કરવામાં આવી રહી છે અને જે લોકો પાસે ફાયર એનઓસી નથી અથવા તો ફાયરના પૂરતા સાધનો નથી તેઓને નોટિસ આપી સીલ મારવા સુધીની કામગીરી કરવામાં આવે છે
પરંતુ ફાયર વિભાગ સરકારી કચેરીઓમાં જ કેમ તપાસ નથી કરી રહ્યું તે એક મોટો સવાલ છે. શહેરના સમા વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીમાં જ ફાયર સુવિધાના હાલ દુરસ્ત હોય તેમ જણાઈ રહ્યું છે. વડોદરા શહેરમાં ફાયર વિભાગ દ્વારા છેલ્લા 3 દિવસથી વિવિધ વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલ, કોમ્પ્લેક્ષ અને સંસ્થાઓમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જે સંસ્થાઓ પાસે પૂરતા સાધન નથી તેઓને નોટિસ આપવામાં આવે છે અથવા તો સીલ કરવામાં આવે છે. ત્યારે જોવા જેવી વાત એ છે કે સરકારી કચેરીઓમાં કોઈ પણ પ્રકારની તાપસ હાલ સુધી કરવામાં નથી આવી. સમાં વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીમાં રોજના હજારો લોકો આવન જાવન કરે છે આ કચેરીમાં જોઈએ તો ફાયર સેફટીના સાધનો લગાવવામાં આવ્યા છે
પરંતુ તે ઉપયોગમાં લઇ શકાય તેમ જ નથી કારણ કે ફાયર એક્સ્ટિંગ્યુસર છેલ્લા 6 વર્ષથી રીફીલ જ નથી કરાવ્યું. 2018 માં જયારે તેની ફાળવણી કરવામાં આવી હતી ત્યારે જ રીફીલ થયું હશે.આ ઉપરાંત ફાયર એલાર્મ પણ બંધ હાલતમાં જોવા મળ્યા હતા.ત્યારે શું મામલતદાર કચેરીમાં આગ લાગશે તો કોઈ મોટી હોનારત નહિ સર્જાય? અથવા તો શું સરકારી કચેરીઓને આ નિયમો લાગુ પડતા નથી? ફાયર વિભાગ પ્રથમ તમામ સરકારી કચેરીઓમાં તપાસ કરે અને ત્યાર બાદ ખાનગી સંસ્થાઓમાં નોટિસ અને અન્ય કામગીરી કરે તેવી પણ માગ ઉઠવા પામી છે.
Reporter: News Plus