દીપેન પટેલ સાતમી મે એ રાત્રે સાસરીમાં જવા માટે કાર લઈ નીકળ્યો હતો
વડોદરા: શહેરના દરજીપુરા વિસ્તારમાંથી પાંચ દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો મૃતદેહ કાલોલ નજીક કેનાલમાંથી મળી આવ્યો છે. તેની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
હરણી નજીક દરજીપુરા ખાતે રહેતા 27 વર્ષીય દીપેન પટેલ સાતમી મે એ રાત્રે સાસરીમાં જવા માટે કાર લઈ નીકળ્યો હતો અને ત્યારબાદ તેનો પત્તો લાગ્યો ન હતો. દીપેન ગુમ થયો હોવાની ફરિયાદ તેના પિતાએ હરણી પોલીસ સ્ટેશને નોંધાવતા તપાસ કરવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર, શનિવારે (10મી મે) રાત્રે અનગઢ પાસે મહીસાગર નદીમાંથી દીપેનની કાર મળી આવી હતી. જેમાં લોહીના નિશાન હતા.
જેથી દીપેનની હત્યા થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. દીપેનની કાર ગોલ્ડન ચોકડી ટોલનાકાથી હાલોલ તરફ જતી નજરે પડતાં વડોદરા શહેર પોલીસની જુદી જુદી ટીમો સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કરી હતી. આ દરમિયાન કાલોલ ખાતે કેનાલમાંથી દીપેનનો મૃતદેહ મળી આવતા તેની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે.વડોદરા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ બાબતે શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે દીપેનની કોલ ડીટેલ્સ પણ કઢાવવામાં આવી છે. જેથી ટૂંક સમયમાં જ હત્યા નો ભેદ ખુલશે.
Reporter: admin