News Portal...

Breaking News :

સુરતમાં બોગસ ઓર્ડર-રિટર્નનો ખેલ, ફ્લિપકાર્ટ સાથે ₹42.20 લાખની છેતરપિંડી; 5 આરોપી ઝડપાયા

2026-08-14 17:35:36
સુરતમાં બોગસ ઓર્ડર-રિટર્નનો ખેલ, ફ્લિપકાર્ટ સાથે ₹42.20 લાખની છેતરપિંડી; 5 આરોપી ઝડપાયા

સુરત: સુરતમાં ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ સાથે બોગસ ઓર્ડર અને રિટર્નના નામે ₹42.20 લાખની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત સાયબર ક્રાઈમ પોલીસે આ કથિત કૌભાંડમાં સામેલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ ફ્લિપકાર્ટ પર ‘સુખવિલાસ ક્રિએશન’ નામે સેલર એકાઉન્ટ બનાવ્યું હતું. આ એકાઉન્ટ મારફતે આરોપીઓએ અંદાજે ₹94 લાખની કિંમતના 5,121 શંકાસ્પદ ઓર્ડર કર્યા હતા. મોટાભાગના ઓર્ડર કેશ ઓન ડિલિવરી (COD) મોડ પર કરવામાં આવતા હતા.

પોલીસ તપાસ મુજબ, માલની ડિલિવરી થયા બાદ આરોપીઓ ખોટા કારણો દર્શાવીને રિટર્નની વિનંતી કરતા હતા. ત્યારબાદ રિટર્ન ઓર્ડરના ચાર્જ સેટલમેન્ટમાં રહેલા સમયનો લાભ લઈને ફ્લિપકાર્ટના સેલર પ્રોટેક્શન ફંડમાંથી ક્લેમ મેળવવામાં આવતો હતો. આ રીતે કંપનીને કુલ ₹42.20 લાખનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો આરોપ છે.
આ કેસમાં પોલીસે આસવ લુનાગરિયા, રક્ષિત રાદડિયા, ભૌતિક ઠુમ્મર, આકાશ વોરા અને રોહન વોરાની ધરપકડ કરી છે.

ફ્લિપકાર્ટના ઓડિટ દરમિયાન રિફંડની રકમ અને પરત આવેલા માલમાં ગેરરીતિ સામે આવ્યા બાદ કંપનીએ સુરત સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને ડિજિટલ ટ્રેઇલના આધારે પોલીસે તપાસ હાથ ધરી પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Reporter: admin

Related Post