નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે મહારાષ્ટ્રના બે શહેરોના નામ બદલવાના સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. મહારાષ્ટ્ર સરકાર દ્વારા રાજ્યના ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે આ અરજી ફગાવી દીધી હતી.
હકીકતમાં, અરજદારોએ અગાઉ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં રાજ્ય સરકારના નિર્ણયમાં કોઈ કાનૂની પડકાર જોયો ન હતો અને તેને સમર્થન આપ્યું હતું. તેની બાદ અરજદારો હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. તેમને આશા હતી કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમની તરફેણમાં આવશે. જો કે, આવું ન થયું અને કોર્ટે અરજી ફગાવી દીધી અને મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે નામ બદલવું એ સરકારનો અધિકાર છે. તેને ન્યાયિક સમીક્ષાની જરૂર નથી. તમારી વાત સાંભળ્યા બાદ જ હાઈકોર્ટે વિગતવાર આદેશ આપ્યો છે. અમે તેમાં દખલ નહીં કરીએ. અગાઉ 8 મેના રોજ હાઈકોર્ટે ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજી નગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવાના રાજ્ય સરકારના નિર્ણયને માન્ય રાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે આ નિર્ણય કાયદાકીય રીતે સાચો છે. હવે સુપ્રીમ કોર્ટે પણ તેને મંજૂરી આપી દીધી છે.
Reporter: admin