પૅરિસ: ભારતની મેન્સ હૉકી ટીમે શુક્રવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં ક્વૉર્ટર ફાઇનલ પહેલાંના પોતાના મહત્ત્વના લીગ મુકાબલામાં ઑસ્ટ્રેલિયાની ચડિયાતી ટીમને 3-2થી હરાવી દીધી હતી. બન્ને ટીમ આ મુકાબલા પહેલાં જ ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ હતી.
વિશ્ર્વની છઠ્ઠા નંબરની ભારતીય ટીમે મૅચમાં મોટા ભાગે ચોથા ક્રમની ઑસ્ટ્રેલિયન ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું. ત્રીજા ક્વૉર્ટર પછી પણ ભારત 3-1થી આગળ હતું, પરંતુ છેલ્લી ક્ષણોમાં 2021ની ટોક્યો ઑલિમ્પિક્સના સિલ્વર મેડલિસ્ટ ઑસ્ટ્રેલિયાએ પેનલ્ટી સ્ટ્રૉકથી બીજો ગોલ કરીને તફાવત ઘટાડી દીધો હતો. જોકે છેવટે ભારતે 3-2થી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. ભારત ઑલિમ્પિક ગેમ્સમાં ઑસ્ટ્રેલિયા સામે 1972ની મ્યુનિક ઑલિમ્પિક્સ પછી (બાવન વર્ષ બાદ) પહેલી વાર જીત્યું છે.
ઑસ્ટ્રેલિયા મેન્સ હૉકીમાં ભારતનું નંબર-વન હરીફ રહ્યું છે અને ભારતે એને જ ધૂળ ચાટતું કરીને પોતાની તાકાતનો પરચો બતાવી દીધો છે.
અભિષેકે ભારતને 12મી મિનિટમાં 1-0થી સરસાઈ આપ્યા બાદ બે ગોલ (13મી તથા 32મી મિનિટમાં) કૅપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. એ સાથે, હરમનપ્રીતના પૅરિસ ઑલિમ્પિક્સમાં પણ 2021ની ટોક્યો ઑલિમ્પિક્સની જેમ કુલ છ ગોલ થયા છે. ટોક્યો ઑલિમ્પિકમાં ભારત હૉકીનો બ્રૉન્ઝ મેડલ જીત્યું હતું.
Reporter: admin