દિલ્હી : નવજોતસિંહ સિદ્ધુના પત્ની નવજોતકૌર સિદ્ધુ વર્ષ 2022થી કેન્સરની બીમારીથી પીડિત હતાં. નવજોતસિંહ સિદ્ધુ એમ પણ કહે છે કે તેમની પત્નીને કેન્સર થયાનું નિદાન થયું ત્યારે તેઓ જેલમાં હતા.
નવજોતકૌરને ચોથા સ્ટેજમાં કેન્સરનું નિદાન થયું હતું. આ સ્ટેજમાંથી તેઓ પાછાં આવ્યાં અને થોડાક સમય પહેલાં ડોક્ટરોએ નવજોતકૌર કેન્સરમુક્ત હોવાનું જણાવ્યું હતું.હકીકતમાં નવજોતસિંહ સિદ્ધુએ થોડાક સમય પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, હવે મારી પત્ની નવજોતકૌર સિદ્ધુ કેન્સરથી આઝાદ થઈ ગઈ છે. ડૉક્ટરોએ કહ્યું હતું કે તેમના બચવાની માત્ર ત્રણ ટકા શક્યતા છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, મેં આ પ્રેસ કોન્ફરન્સ એટલા માટે યોજી હું જણાવી શકું કે નવજોત ૪૦ દિવસમાં કેન્સરનો જંગ કેવી રીતે જીતી ગયાં. તે સમયે હું રોજ ચાર-ચાર, પાંચ-પાંચ કલાક કેન્સર અંગે વાંચતો હતો. અનેક લોકો મને પૂછે છે કે તમારી પાસે તો કરોડો રૂપિયા છે.
પરંતુ સામાન્ય માણસ કેવી રીતે કેન્સરની સારવાર કરાવે?તેમણે કહ્યું કે, લિમડાના પાંદડાના કેટલા રૂપિયા થાય? કાચી હળદરના કેટલા રૂપિયા થાય? તુલસીના કેટલા રૂપિયા થાય? લિંબુ અને વિનેગરના કેટલા રૂપિયા થાય? આ ચાર-પાંચ વસ્તુઓની મદદથી કેન્સરને હરાવી શકાય છે. કેન્સર દૂર કરવા કાર્બોહાઈડ્રેટ, રિફાઈન્ડ, સમોસા, જલેબી, મેંદો વગેરેથી દૂર રહેવું જોઈએ. સિદ્ધુના જણાવ્યા મુજબ લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને લીમડાના પાંદડા, હળદર, લિંબુ અને તુલસીથી ૪૦ દિવસમાં કેન્સરને હરાવી શકાય છે. કેન્સર દૂર કરવા માટે લોકોને આવી સલાહ આપતા નવજાતસિંહ સિદ્ધુ વિવાદોમાં સપડાયા છે.છત્તીસગઢ સિવિલ સોસાયટીના ડૉ. સોલંકીએ કહ્યું કે, નવજોતસિંહ સિદ્ધુના ડાયેટ અંગેના દાવાઓથી દેશ-વિદેશમાં કેન્સર દર્દીઓમાં અસ્પષ્ટતાની સ્થિતિ અને એલોપથી દવાઓ અંગે આશંકા પેદા થઈ ગઈ છે. સિદ્ધુ સાત દિવસમાં તેમના નિવેદન પર માફી નહીં માગે અથવા વૈજ્ઞાનિકરૂપે પ્રમાણિત દસ્તાવેજો રજૂ નહીં કરે તો તેઓ કોર્ટનો દરવાજો ખખડાવશે. તેમણે સિદ્ધુ પર રૂ. ૮૫૦ કરોડનો ક્ષતિપૂર્તિનો દાવો કર્યો છે.
Reporter: admin