વડોદરા : ટ્રેનમાં મુસાફરી દરમિયાન અનેક મુસાફરો પોતાનો કિંમતી સામાન ભુલી જતા હોય છે. ત્યારે આરપીએફની સજાગતાના કારણે મુસાફરોનો ખોવાયેલો સામાન પરત મળ્યો છે. પાછલા 5 મહિનામાં 382 મુસાફરોનો ખોવાયેલ રૂ. 64.18 લાખની કિંમતનો સામાન મેળવીને પરત કરાયો હતો.
જાન્યુઆરીથી મે 2025ના સમયગાળા દરમ્યાન કુલ 382 મુસાફરો પોતાનો સામાન ટ્રેનમાં ભૂલી ગયા હતા અથવા ભૂલથી પ્લેટફોર્મ પર છોડી ગયા હતા. રેલવે પ્રોટેક્શન ફોર્સ વડોદરા ડિવિઝનના જવાનોએ આ કેસોમાં કાર્યવાહી કરી મુસાફરોના કુલ રૂ. 64,18,816ની કિંમતનો ખોવાયેલો સામાન શોધીને સુરક્ષિત રીતે તેમના માલિકોને પરત કર્યો હતો.
આ કાર્ય મુસાફરોને સંભવિત આર્થિક નુકસાનથી બચાવવામાં મદદરૂપ સાબિત થયું હતું. અરજદારોને તમામ મુદ્દામાલ પરત મળતા તેમણે આરપીએફનો આભાર માન્યો હતો. રેલવે સુરક્ષા બળએ મુસાફરોને પુન: અપીલ કરી છે કે, તેઓ મુસાફરી દરમ્યાન પોતાના સામાનની સુરક્ષાને પ્રાથમિકતા આપે.
Reporter: admin