News Portal...

Breaking News :

ક્વોન્ટમ કમ્પ્યુટરથી ડિજિટલ સુરક્ષાને મોટો ખતરો? સેકન્ડોમાં તૂટી શકે પાસવર્ડ, નિષ્ણાતની ચેતવણી

2026-07-28 10:21:39
ક્વોન્ટમ કમ્પ્યુટરથી ડિજિટલ સુરક્ષાને મોટો ખતરો? સેકન્ડોમાં તૂટી શકે પાસવર્ડ, નિષ્ણાતની ચેતવણી

ભવિષ્યમાં આવનારા ક્વોન્ટમ કમ્પ્યુટર્સ હાલની સમગ્ર ડિજિટલ સુરક્ષા વ્યવસ્થાને પળવારમાં નિષ્ફળ બનાવી શકે છે. ઇઝરાયલના અગ્રણી સાયબર સુરક્ષા નિષ્ણાત અને પ્રોફેસર આઇઝેક બેન-ઇઝરાયલે ચેતવણી આપી છે કે એક શક્તિશાળી ક્વોન્ટમ કમ્પ્યુટર તૈયાર થયા બાદ બેંકિંગ, સરકારી અને સૈન્ય ક્ષેત્રની એન્ક્રિપ્શન આધારિત સુરક્ષા વ્યવસ્થાઓને સેકન્ડોમાં તોડી શકાય છે.
યરુશલેમ પોસ્ટના એક પોડકાસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, "તમે ગમે તેટલો મજબૂત પાસવર્ડ રાખો, ભવિષ્યનું ક્વોન્ટમ કમ્પ્યુટર તેને એક સેકન્ડમાં તોડી શકે છે." તેમના મતે હાલ ઓનલાઈન ડેટાને સુરક્ષિત રાખતી એન્ક્રિપ્શન ટેક્નોલોજી ક્વોન્ટમ યુગમાં અસરકારક નહીં રહે.

ક્વોન્ટમ કમ્પ્યુટર કેમ છે ખાસ?

સામાન્ય કમ્પ્યુટરો '0' અને '1' પર આધારિત બાઈનરી સિસ્ટમથી કાર્ય કરે છે, જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટર 'ક્યુબિટ' (Qubit) ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. ક્યુબિટ એક જ સમયે અનેક સ્થિતિમાં કાર્ય કરી શકે છે, જેના કારણે અત્યંત જટિલ ગણતરીઓ પણ પળવારમાં પૂર્ણ થઈ શકે છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જે ગણતરી સામાન્ય કમ્પ્યુટરને વર્ષો કે હજારો વર્ષમાં પૂર્ણ થાય, તે ક્વોન્ટમ કમ્પ્યુટર લગભગ તરત જ પૂર્ણ કરી શકે છે.

સાયબર સુરક્ષા સામે નવો પડકાર

ક્વોન્ટમ કમ્પ્યુટિંગના વિકાસ સાથે હેકર્સ માટે એન્ક્રિપ્ટેડ ડેટામાં ઘૂસણખોરી સરળ બની શકે છે. ખાસ કરીને 'બ્રૂટ-ફોર્સ એટેક', જેમાં પાસવર્ડના તમામ સંભવિત કોમ્બિનેશન અજમાવવામાં આવે છે, તે અત્યંત ઝડપથી પૂર્ણ થઈ શકે છે. પરિણામે બેંકિંગ, સરકારી અને સંરક્ષણ ક્ષેત્રોની ડિજિટલ સુરક્ષા માટે મોટો પડકાર ઊભો થઈ શકે છે.

હજુ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નહીં બને

પ્રોફેસર બેન-ઇઝરાયલના જણાવ્યા મુજબ સંપૂર્ણ કાર્યક્ષમ ક્વોન્ટમ કમ્પ્યુટર તૈયાર થવામાં હજુ લગભગ દસ વર્ષ લાગી શકે છે. આ મશીનો કદમાં વિશાળ હશે, અત્યંત ઠંડા તાપમાને જ કાર્ય કરશે અને ભારે વીજળીનો વપરાશ કરશે. તેથી શરૂઆતમાં તે માત્ર મોટી ટેક્નોલોજી કંપનીઓ અને સંશોધન સંસ્થાઓ સુધી જ મર્યાદિત રહેવાની શક્યતા છે.
તેમણે ઉમેર્યું કે દરેક ઘરમાં ક્વોન્ટમ કમ્પ્યુટર પહોંચવામાં હજુ 50 વર્ષથી વધુ સમય લાગી શકે છે અથવા કદાચ તે ક્યારેય સામાન્ય ઘર સુધી ન પણ પહોંચે.

Reporter: admin

Related Post