પાવીજેતપુર વસવા નદી ઉપર બાંધેલ પુલ ધસી ન પડે તે હેતુસર ચોમાસા પૂર્વે સૌરક્ષણ દિવાલની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. દર ચોમાસામાં આ રસ્તો અડધો બંધ કરી દેવાની ફરજ પડે છે તેથી તંત્ર દ્વારા પ્રીમોનસુન કામગીરી કરવામાં આવી રહી છે.

પાવીજેતપુર નજીકથી વસવા નદી પસાર થતી હોય જેની ઉપર વર્ષો જૂનો પુલ બનાવવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસામાં નદીના પટમાં વધુ વરસાદ આવવાના કારણે પાવીજેતપુર થી છોટાઉદેપુર તરફ જવાના રસ્તા ઉપર પુલની એક બાજુએ રોડ નીચેનું પુરાણ ધોવાઈ જતા રોડ બેસી જાય છે. જેને લઇ ભારદારી વાહનને અટકાવી દેવામાં આવે છે તેમજ અડધો રસ્તો બંધ કરી દેવામાં આવે છે. આ રસ્તો ચોમાસા દરમિયાન બંધ કરવો ન પડે તે હેતુસર તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે વસવા નદીના પટમાં ૧૫૦ ફૂટ થી વધુ લાંબી સરક્ષણ દિવાલ બનાવવામાં આવી રહી છે. જે દિવાલમાં પાયો મજબૂત કરવામાં આવ્યો છે ત્યાર પછી દીવાલ ઊભી કરવામાં આવી રહી છે. દિવાલની નીચે પાઇપો નાખી પાઈલ ભરવામાં આવી રહ્યા છે તેમજ દીવાલ વધુ મજબૂત થાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. હાલ વરસાદ નથી પડ્યો પરંતુ રોડ ઉપરથી ભારદારી વાહનો પસાર થવાના કારણે પુલની એક બાજુના પુરાણમાં મોટા મોટા ખાડા પડી રહ્યા છે. અને આ રસ્તો હાલ એક બાજુથી બેસી ગયો છે. હાલ અડધો રોડ બેરિકેટ મૂકી બંધ કરવામાં આવ્યો છે. અને જો આ રોડ વધુ બેસી જાયતો રસ્તો જ બંધ કરવાની ફરજ પડે તેમ છે. તેથી તાત્કાલિક તંત્ર દ્વારા ૧૫૦ ફૂટ થી વધુ લાંબી સંરક્ષણ દીવાલ બનાવવામાં આવી રહી છે પરંતુ જૂની દીવાલોનું કામ કમજોર કરવામાં આવ્યું હોય તેથી જે નવી દીવાલ બની રહી છે તેની આજુબાજુની જૂની દીવાલો ગમે ત્યારે પાછી પડે તેમ છે તો તંત્ર નવી દીવાલ બની રહી છે તેને બંને બાજુએ જે જૂની દીવાલ છે તેનું પણ નવેસરથી બનાવી દેવામાં આવે તો ભવિષ્યમાં રસ્તો બંધ કરવાની ફરજ પડશે નહીં.

આમ, પાવીજેતપુર નજીક વસવા પુલની એક બાજુ રોડ બેસી રહ્યો છે ત્યારે ચોમાસામાં સાવ રસ્તો બંધ ન કરવો પડે અને આ રસ્તો ચાલુ રહે તે માટે તંત્ર દ્વારા રોડની એક બાજુ નદીના પટમાં સંરક્ષણ દિવાલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાવીજેતપુર વસવા પુલ ધસી ન પડે, અને રસ્તો બંધ ના કરવો પડે તે માટે ચોમાસા પૂર્વે સંરક્ષણ દીવાલની ચાલતી કામગીરી તસ્વીર માં નજરે પડે છે.
Reporter: News Plus