અમદાવાદ : સરકારી નોકરીમાંથી નિવૃત્તિ પહેલાં જો કર્મચારીએ બે મહિલા સાથે લગ્ન કર્યા હોય તો તે સંજોગોમાં એક જ પત્નીને પેન્શન મળે કે, બન્નેને પેન્શન મળી શકે એવો કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરતાં કેસમાં ગુજરાત હાઇકોર્ટે ઠરાવ્યું છે કે, નિવૃત્ત અને મૃતક કર્મચારીની બંને પત્નીઓને પેન્શનની રકમ એકસરખા ભાગે ચૂકવવાની રહે. હાઇકોર્ટે અરજદાર પત્નીને પણ ત્રણ મહિનામાં પેન્શન ચૂકવવા સત્તાધીશોઓને હુકમ કર્યો હતો.
હાઇકોર્ટે ચુકાદામાં એમ પણ નોંધ્યું છે કે, ગુજરાત સિવિલ સર્વિસિસ પેન્શનના નિયમો મુજબ અને પત્ની એ ફેમિલીની વ્યાખ્યામાં આવે છે અને એમાં કાયદાકીય રીતે જુદી થયેલી પત્ની અને પતિનો પણ સમાવેશ થાય છે. અલબત્ત કે સરકારી કર્મચારીના લગ્ન નિવૃત્ત થયા પહેલાં થયેલા હોવા જોઈએ. કેસની વિગત મુજબ, એક સરકારી કર્મચારીએ તેની નિવૃત્ત પહેલાં બે લગ્ન કર્યા હતા.
બીજી પત્નીને પેન્શનની રકમ મળતી હતી પરંતુ પહેલી પત્નીને પેન્શનની કોઈ રકમ ચૂકવાતી ન હતી, તેથી તેણે હાઈકોર્ટમાં રિટ અરજી કરી પોતાનો હક માંગ્યો હતો કે, પોતે મૃતક સરકારી કર્મચારીની કાયદેસર પત્ની(વિધવા) છે અને તેથી તેને પણ પેન્શનની રકમ મેળવવાનો અધિકાર છે.
Reporter: admin