વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીના રવિવારે યોજાયેલા 73મા પદવીદાન સમારોહમાં મેડિસિન ફેકલ્ટી એટલે કે વડોદરા મેડિકલ કોલેજની એમબીબીએસની વિદ્યાર્થિની નૈસર્ગી રાવલે 17 ગોલ્ડ મેડલ મેળવીને નવો રેકોર્ડ સર્જયો હતો.
એક સાથે 17 ગોલ્ડ મેડલ ગળામાં પહેરવાનો મોકો આ પહેલા યુનિવર્સિટીના કોઈ વિદ્યાર્થીને મળ્યો નથી. નૈસર્ગીએ એક વાતચીતમાં કહ્યું હતું કે, સફળતાની પ્રેરણા સૌથી પહેલા તો મને મારા ઘરમાંથી જ મળી છે. કારણકે મારો પરિવાર ડોકટરોનો પરિવાર છે. મારા મમ્મી, પપ્પા, ભાઈ, દાદા, દાદી, નાના અને નાની પણ ડોકટર છે. મારા ભાઈએ મને સતત માર્ગદર્શન આપતો હતો. મેં હંમેશા અભ્યાસમાં પહેલો નંબર જાળવી રાખ્યો છે.
ધો 10 અને 12માં હું ટોપર હતી. મેડિકલના અભ્યાસ દરમિયાન પણ હું ટોપર રહી છું અને તમામ વિષયોમાં પણ મને સૌથી વધારે માર્કસ મળ્યા છે. જેના કારણે તમામ કેટેગરીના ગોલ્ડ મેડલ મને મળ્યા છે. પીજી નીટ પરીક્ષામાં પણ દેશમાં મારો ચોથો પણ ગુજરાતમાં પહેલો નંબર રહ્યો છે.નૈસર્ગીએ આગળ કહ્યું હતું કે, અત્યારે હું અમદાવાદમાં એમડી કરી રહી છું. દર્દીઓ સાથે વાતચીત કરીને તેમની સમસ્યા જાણીને સારવાર કરવાથી ઘણું શીખી છું. મેડિકલને લગતા પુસ્તકો વાંચવાનું મને પહેલેથી જ ગમે છે. ગોલ્ડ મેડલ તો મારે મેળવવો જ હતો. મેં મારા સ્ટડી ટેબલ પર પણ ગોલ્ડ મેડલ મેળવવાનો છે તે વાક્ય લખી રાખ્યું હતું અને એક સાથે 17 મેડલ મેળવ્યા બાદ ખુશી વર્ણવવા માટે મારી પાસે શબ્દો નથી.
Reporter: admin