મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હોસ્પિટલના રૂક્મણી ચૈનાની પ્રસુતિ ગૃહ પાસે ફાયર એનઓસી નહીં હોવાને કારણે ફાયર બ્રિગેડે એને નોટિસ ફટકારી છે.
જો આગામી ચાર દિવસમાં વોર્ડમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો મુકીને એનઓસી નહીં મેળવવામાં આવે તો ફાયર બ્રિગેડ એને સીલ મારી દેશે. ફાયરની નોટિસ મળતાની સાથે જ સયાજી હોસ્પિટલના સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને તેમણે પ્રસુતિ વોર્ડમાં ફાયર સેફ્ટી માટેના જરૂરી સાધનો મંગાવી લીધા હતા અને એને ઈસ્ટોલ પણ કરાવી લીધા હતા. રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યના જુદા-જુદા શહેરોમાં ફાયર સેફ્ટીનું રીતસરનું ડ્રાઈવ ચાલી રહ્યુ છે. વડોદરા ફાયર બ્રિગેડ પણ એમા બાકાત નથી. વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા શહેરના જુદાજુદા વિસ્તારોમાં આવેલી બહુમાળી ઈમારતોના ફાયર એનઓસી ચકાસવામાં આવી રહ્યા છે.
અને જે ઈમારતોના ફાયર એનઓસી નથી એને નોટિસ આપ્યા પછી સીલ મારી દેવાની પ્રક્રિયા પણ ધડાધડ કરવામાં આવી રહી છે. આ જ કામગીરી અંતર્ગત ફાયર બ્રિગેડની ટીમે સયાજી હોસ્પિટલના પ્રસુતિ વોર્ડ રૂક્મણી ચૈનાનીને નોટિસ ફટકારી હતી. નોટિસમાં સ્પષ્ટ સૂચના હતી કે, જો પાંચ દિવસમાં ફાયર એનઓસી નહીં મેળવવામાં આવે તો પ્રસુતિ વોર્ડને સીલ મારી દેવામાં આવશે. ખેર, નોટિસ મળતાની સાથે જ સયાજી હોસ્પિટલના સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને તેમણે ફાયર સેફ્ટીના સાધનો ખરીદીને એને ઈન્સ્ટોલ કરવાની કામગીરી શરૂ કરી હતી.હોસ્પિટલના આરએમઓ ડો. દેવશી હેલૈયાએ જણાવ્યુ હતુ કે, રૂક્મણી ચૈનાની પ્રસુતિ ગૃહમાં ફાયર સેફ્ટીના સાધનો લગાવી દેવામાં આવ્યા છે અને ફાયર બ્રિગેડના ઈન્સ્પેક્શન બાદ એનઓસી મેળવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.
Reporter: News Plus