News Portal...

Breaking News :

NDA ની બેઠકમાં નરેન્દ્ર મોદીને નેતા તરીકે પસંદ કરાયા

2024-06-05 22:03:16
NDA ની બેઠકમાં નરેન્દ્ર મોદીને  નેતા તરીકે પસંદ કરાયા


નવી દિલ્હી : લોકસભા ચૂંટણી- 2024ના પરિણામો બાદ હવે મોદી 3.0 સરકાર રચવાની કવાયત શરૂ થઈ ગઈ છે.  NDA ગઠબંધનના નેતાઓ સાતમી જૂને રાષ્ટ્રપતિ ભવન પહોંચીને સરકાર બનાવવાનો દાવો કરી શકે છે. એક કલાક ચાલેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ ને રાજીનામું આપીને લોકસભા ભંગ કરવાનું સૂચન કર્યું હતું, જેનો રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો હતો.




લોકસભા ચૂંટણી પરિણામો બાદ આજે એનડીએની પહેલી બેઠક યોજાઈ હતી, જેમાં 10થી વધુ પાર્ટીઓના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નવી સરકાર બનાવવા માટે વડાપ્રધાન મોદીએ રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધું છે અને આ સાથે લોકસભા ભંગ થઈ ગઈ છે.


દરમિયાન આજે વડાપ્રધાનના નિવાસસ્થાન પર એનડીએની એક કલાક સુધી બેઠક ચાલી હતી, જેમાં 10થી વધુ પક્ષોના નેતાઓ હાજર હતા. આ બેઠકમાં JDUના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, TDPના વડા ચંદ્રાબાબુ નાયડુ, ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયનના વડા સુદેશ મહંતો, RLDના જયંત ચૌધરી, જનસેના પાર્ટીના વડા પવન કલ્યાણ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, LJP (રામ વિલાસ)ના નેતા ચિરાગ પાસવાન, અપના દળ (સોનેલાલ) નેતા અનુપ્રિયા પટેલ અને HAM નેતા જીતનરામ માંઝી ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ નેતાઓને કહ્યું, અભિનંદન.. બધાએ સારો સંઘર્ષ કર્યો. NDA હવે દેશના વિકાસ માટે કામ કરશે. અમે લોકો માટે અમારું કામ ચાલુ રાખીશું.


આ માટે એક પ્રસ્તાવ પણ પસાર કરાયો છે, જેમાં લખાયું છે કે, ‘2024 ભારતના 140 કરોડ દેશવાસીઓએ આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારની લોક કલ્યાણકારી નીતિઓને કારણે છેલ્લા 10 વર્ષમાં દેશને દરેક ક્ષેત્રમાં વિકાસ કરતો જોયો છે. ખૂબ લાંબા ગાળા બાદ લગભગ છ દાયકા પછી ભારતની પ્રજાએ સતત  ત્રીજી વખત સંપૂર્ણ બહુમતી સાથે મજબૂત નેતૃત્વની પસંદગી કરી છે. આપણને બધાને ગર્વ છે કે એનડીએ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024ની લોકસભાની ચૂંટણી એકજૂટ રીતે લડી અને જીતી. આપણે સર્વસંમતિથી NDA નેતા નરેન્દ્ર મોદીને અમારા નેતા તરીકે પસંદ કરીએ છીએ.’

એનડીએની બેઠક પૂર્ણ થયા બાદ નીતીશ કુમારે કહ્યું કે, ‘સરકાર બનાવવામાં કોઈ વિલંબ ન થવો જોઈએ. આપણે જલદીથી સરકાર બનાવવી જોઈએ.’ ઉલ્લેખનીય છે કે, ચંદ્રાબાબુની ટીડીપી 16 બેઠકો સાથે એનડીએમાં બીજો સૌથી મોટો પક્ષ બની ગયો છે અને નીતિશની જેડીયુ 12 બેઠકો સાથે એનડીએમાં ત્રીજી સૌથી મોટી પાર્ટી છે. આ સમયે ભાજપ માટે બંને પક્ષો જરૂરી છે.

Reporter: News Plus

Related Post