વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા 570 કર્મચારી કાયમી કરવા માંગણી હજુ સુધી નહીં સંતોષાતા તા.5 જૂનથી હડતાલનું એલાન ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા અપાયું છે.
સંઘના આગેવાનો તા. 28 ના રોજ શિક્ષણ સમિતિને તા.4 જૂન સુધીમાં માગણીનો ઉકેલ નહીં આવે તો હડતાલનું અલ્ટીમેટમ આપવા માટે સવારે આવેદનપત્ર આપવા જનાર છે.કાયમી કરવાની માગણી અંગે અગાઉ જાન્યુઆરીમાં ભૂખ હડતાલ બાદ શરૂ થયેલી મીટીંગોના અનુસંધાનમાં સમસ્યાનો ઉકેલ આવે એવું વાતાવરણ ઊભું થયું હતું. કર્મચારી સંઘ અને કોર્પોરેશનના વકીલો વચ્ચે બેઠક પણ થઈ હતી. સંઘ દ્વારા સમાધાનની જે ફોર્મ્યુલા મૂકવામાં આવી હતી, તેના આધારે બંને પક્ષે એક ડ્રાફ્ટ તૈયાર કરીને હાઇકોર્ટમાં રજૂ કર્યા બાદ કેસ પરત લેવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો.
આ મુદ્દે નિકાલ લાવવા એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી. સંઘ તરફથી જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવા પાત્ર લાભો આપવા માંગ કરી હતી. સંઘ આશરે 100 કરોડનું એરિયર્શ જતું કરનાર છે. આશરે 313 કર્મચારીને પેન્શન 115 કર્મચારીને પગાર ઉપરાંત પેન્શન તેમજ મૃત્યુ પામેલા કર્મચારીઓને મળવાપાત્ર લાભ આપવાના થાય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 47 વર્ષથી કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે. કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો કોર્પોરેશન પર વાર્ષિક 8 કરોડનો બોજો વધે તેમ છે
Reporter: admin