શહેરમાં પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત કામગિરી શરુ થઇ ગઇ છે અને તેના ભાગરુપે હાલ વિશ્વામિત્રીને સ્વચ્છ કરવાની કામગીરી કરાઇ રહી છે.

નદીમાં ફેલાયેલી ગંદકી અને કાદવ કિચડને બહાર કાઢીને નદીને ઉંડી અને પહોળી કરવાની કામગીરી કરાઇ રહી છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે નદીમાંથી જે સ્લજ એટલે કે કાદવનો દળ બહાર કાઢવામાં આવી રહ્યો છે તે નદીની પાસે જ પાથરી દેવામાં આવી રહ્યો છે. આ સ્લજને ત્યાં જ બાજુમાં પાથરી દેવાથી કોઇ હેતુ સર થશે નહી કારણકે એ જ સ્લજ વરસાદ આવશે ત્યારે વરસાદના પાણીમાં ભેગો જ થઇ જશે. પાલિકાના શાસકોએ આ સમજવાની ખાસ જરુર છે. નહીતર આ જ રીતે જો આડેધડ કામગીરી કરાશે તો કરોડો રુપિયાના ખર્ચનો વિશ્વામિત્રી પ્રોજેક્ટ કોઇ કામનો નહી રહે અને શહેરીજનોને પૂરથી કોઇ બચાવી નહી શકે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત હાલ ટૂંકા ગાળાનો 100 દિવસનો ખાસ કાર્યક્રમ થઇ રહ્યો છે અને તેમાં વિશ્વામિત્રી શુદ્ધિકરણ પણ સામેલ છે. વિશ્વામિત્રીની ગંદકી બહાર કાઢી તેને સ્વચ્છ કરવાની સાથે નદીને પહોળી અને ઉંડી પણ બનાવાશે જેથી તેમાં વધુ પાણી વહન થઇ શકે અને જ્યારે વરસાદમાં ખુબ જ પાણી આવે ત્યારે કોઇ પણ પ્રકારના અવરોધ વગર પાણી પસાર થઇ જાયહાલ પાલિકા દ્વારા વિશ્વામિત્રીને ઉંડી પહોળી કરવા અને સ્વચ્છ કરવા માટે નદીના પટમાં મશીનો ઉતારી દેવાયા છે અને મશીનો દ્વારા વિશ્વામિત્રી નદીનો સ્લજ બહાર કાઢવામાં આવી રહ્યો છે.

જો કે અહીં બુદ્ધીનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નદીનો સ્લજ એટલેકે કાદવનો દળ નદીમાંથી બહાર કાઢીને ફરી પાછું તેની નજીક જ પાથરી દેવામાં આવી રહ્યો છે. સ્લજને એ જ વિસ્તારમાં ફરી પાથરી દેવાથી કોઈ મતલબ નથી. એ જ સ્લજ ફરી પાછા વરસાદમાં ભેગો થઈ જશે અને નદીના પાણીમાં એકરસ થઇ જશે જેથી તેનો કોઇ હેતુ નહી સરે.કોઈપણ રોડ ઉપરનો પણ કચરો એક બાજુ ભેગો કરવાથી તે રોજ સ્વચ્છ થઈ જતો નથી. એ કચરો ઉપાડીને બીજે ઠાલવવો જ પડે. તે રીતે સ્લજને પણ નદી કિનારાથી દૂર ઠાલવવો જ પડે. આવું જ જો ચાલતું રહ્યું તો વિશ્વામિત્રી પ્રોજેક્ટની કરોડોની રકમ પાણીમાં જ ગરકાવ થઈ જશે. શહેરીજનોને ફરી પાછો પૂરનો પ્રકોપ ઝીલવો પડશે. પાલિકાએ આ બાબતે તુરંત જ તપાસ કરીને નદીનો કે મોટી કાંસનો સ્લજ ઉપાડીને નદીથી દુર ઠાલવવો જોઇએ. જો કોન્ટ્રાક્ટરોના ભરોસે આ કામગીરી કરાશે તો તે તો કમાઇ જશે પણ શહેરીજનોના કરોડો રુપિયા પાણીમાં જશે.અક્કલ વગરના કામો કરીને વાહ વાહી ભેગી કરવાનો પ્રયાસ પાલિકા જે પણ કામગીરી હાલ કરી રહી છે તે માત્ર દેખાડા પૂર્તિ છે. રૂપિયાનો ધુમાડો પણ થવાનો છે.પૂરની શક્યતા જે છે તે જ રહેશે. અક્કલવગરનું કામ કરીને વિડીયો બનાવીને શરુઆતમાં તો લોકોની વાહ વાહી કરાવશે. આ કામોના કરોડોનાં બીલો બનશે.વડોદરાવાસીઓને પણ આશા જાગશે કે હાશ હવે પૂરથી બચી શકાશે પણ જ્યારે ચોમાસામાં આવી અણઘડ કામગીરીના કારણે પૂર આવશે ત્યારે વડોદરાવાસીઓની આશા ઠગારી નિવડશે તે ચોક્કસ છે. કારણકે વડોદરાવાસીઓને તો શહેરના નેતાઓ વર્ષોથી મૂર્ખ બનાવી રહ્યા છે અને તેથી ભોળી પ્રજાનું દર વર્ષે પુરમાં કરોડોનું નુકસાન થાય છે. આટલા વર્ષો માં કરોડો રૂપિયા ખવાઈ-ચવાઈ-કોઈનાં ખીસ્સામાં સરકી ગયા,તે સૌ કોઈ જાણે છે.વિશ્વામિત્રીના પૂરથી અને કાંસમાં થતી અડચણોને કારણે અત્યાર સુધીમાં શહેરીજનોને કરોડો રુપિયાનું નુકશાન થયું છે અને હાડમારી ભોગવવી પડી છે . જો કે વિશ્વામિત્રીના પૂરમાંથી પણ પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કરોડો રુપિયા ખાઇ ગયા છે. શહેરીજનોને વિશ્વામિત્રી પ્રોજેક્ટના સપના દેખાડી તેમના ટેક્ષના નાણાંમાંથી પાલિકાના ભ્રષ્ટ શાસકો કરોડપતિ થઇ ગયા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ નામના રુપાળા નામના ઓથા હેઠળ માત્રને માત્ર ભ્રષ્ટાચાર જ થઇ રહ્યો છે. નહીંતર વડોદરાની પ્રજાને 25 વર્ષ પહેલાં જ નદીના પૂરથી રાહત મળી ગઇ હોત પણ આ એક એવું સપનું છે કે દર વર્ષે લોકોને સપનાં બતાવામાં આવે છે અને ખિસ્સા ભરવામાં આવે છે. નદીમાં માત્ર ભ્રષ્ટાચાર જ થાય છે અને ક્યારે નિયમીત સફાઇ થશે તે રામ જાણે...

Reporter: admin