વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ અને પરીક્ષાઓ પર અસર થવાનો દાવો; અગાઉ કાર્યક્રમ બાદ મેદાનમાં પડેલી ખીલીઓથી ખેલાડીઓને ઇજાઓ થઈ હોવાનો ઉલ્લેખ
વડોદરા: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે આગામી 8 સપ્ટેમ્બર, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રેલવે સંબંધિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને લઈને MSUના સેનેટ સભ્ય અને ભૂતપૂર્વ ખેલાડી કપીલ જોષીએ વડાપ્રધાનને પત્ર લખી પેવેલિયન ગ્રાઉન્ડના વિકલ્પે અન્ય સ્થળે કાર્યક્રમ યોજવા વિનંતી કરી છે.

પત્રમાં કપીલ જોષીએ જણાવ્યું છે કે પેવેલિયન ગ્રાઉન્ડ રમતવીરો માટેનું મહત્વનું મેદાન છે અને કાર્યક્રમની તૈયારીઓને કારણે વિદ્યાર્થીઓની રમતગમતની પ્રેક્ટિસ અટકી ગઈ છે. સાથે જ યુનિવર્સિટીની આંતરિક કસોટી તથા પરીક્ષાઓ અંગે પણ અસર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તેમણે અગાઉ આ મેદાન પર જાહેર કાર્યક્રમ યોજાયા બાદ સામાન હટાવ્યા પછી મેદાનમાં ખીલીઓ અને મોટા ખીલાઓ રહી જતા ખેલાડીઓને ઇજાઓ થઈ હોવાનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાને પગલે યુનિવર્સિટીના સત્તા મંડળો દ્વારા પેવેલિયન ગ્રાઉન્ડને રમત સિવાયના કાર્યક્રમો માટે ફાળવવામાં ન આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો હોવાનો પણ પત્રમાં દાવો કરાયો છે.

કપીલ જોષીએ વધુમાં જણાવ્યું કે આગામી દિવસોમાં આંતર-યુનિવર્સિટી સ્પર્ધાઓ તેમજ ખેલે ગુજરાત અને ખેલ મહાકુંભ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં સેંકડો વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ મેદાન પર પ્રેક્ટિસ કરી રહ્યા છે, ત્યારે મેદાન બંધ થતાં તેમની તૈયારીઓ પર અસર પડી રહી છે.
પત્રના અંતે તેમણે વડાપ્રધાનને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓ અને રમતવીરોમાં રોષ ન ફેલાય તે માટે પેવેલિયન ગ્રાઉન્ડ અંગેનો નિર્ણય તાત્કાલિક ફેરવવામાં આવે અને કાર્યક્રમ અન્ય સ્થળે યોજવામાં આવે. સાથે જ મેદાનની હાલની સ્થિતિ દર્શાવતા ફોટોગ્રાફ અને વીડિયો પણ મોકલ્યા હોવાનું જણાવ્યું છે.


Reporter: admin







